કાલાવડના યુસુફ સુમરાએ પરવાનગીવાળી જુગાર ક્લબ હોવાનું કહી રમવા મોકલ્યા’તા
યુવતી સહિતના પાચ શખ્સોએ માર મારી રૂ.2 લાખ પડાવ્યાનો આક્ષેપ
રાજકોટમાં રહેતી મહિલા સહિત ચાર પત્તા પ્રેમીઓ લાલપુરમાં મસીતિયા ગામની જુગાર ક્લબમાં જુગાર રમવા ગયા ત્યારે સામે વાળા યુવતી સહિતના ચાર શખ્સોએ પૈસા પડાવી લીધાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રામાપીર ચોકડી પાસે રહેતા દિવ્યાબેન વિજયભાઈ દેવડા પોતાના ઘરે જુગાર ક્લબ ચલાવતા હતા. પરંતુ બે વર્ષ પહેલા પોલીસે દરોડો પાડતા તેને બહારગામ રમવા જવાનું શરૂ કર્યું હતું. ત્યારે કાલાવડના યુસુફ સૂમરાએ દિવ્યાબેનને લાલપુરના મસિતિયા ગામે પરવાના વાડી જુગાર કલબ ચાલતી હોવાનું કહેતા દિવ્યાબેન દેવડા, અમદાવાદના કાપડના વેપારી અશોકભાઈ ગોવિંદભાઈ સાસાણી (ઉ.વ.36), બજરંગવાડીમાં રહેતા જાબિરભાઈ ઇબ્રાહીમભાઇ હિંગોડા (ઉ.વ.59) ત્રણેય પરા પીપળીયા ગામે રહેતા ઇમરાન સિકંદર ભાઈ અલાણાની ઈકો ગાડી બાંધીને મસીતીયા ગામે જુગાર રમવા ગયા હતા.જ્યાં ત્રણેય જુગારીઓ 30-30 હજાર રૂપિયા હારી ગયા બાદ દિવ્યાબેને રૂ.20 હજાર ઉછીના લીધા હતા.
તેમાંથી રૂ.10 હજાર આપી દીધા બાદ ન રમવાનું કહેતા યુસુફ સુમરાએ આ ત્રણેય ચિટર છે તેવું કહેતા જુગાર ક્લબના સંચાલક ઈમરાન, આદમ, સલીમ, અલ્તાફ અને ભુરી નામની યુવતીએ ચારેયને ગોંધી રાખી લાકડી વડે માર મારી પૈસાની માંગણી કરી હોવાના આક્ષેપ કર્યા છે.ત્યાર બાદ જાબીરભાઈ અને અશોકભાઈ દ્વારા પોતાના પરિવારજનો પાસેથી રૂ.2 લાખ મંગાવી પૈસા પડાવી દિવ્યાબેનના હાથમાં પત્તો રાખી છરી અને બંદૂકની અણીએ વિડિયો શૂટ કરી માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. દિવ્યાબેન અને સાથેના પત્તાપ્રેમીને બેફામ માર માર્યો હોવાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે પંચકોષી બી ડિવિઝન પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.