વાડામાં ભેંસ દોરતી ભાભીને જોવા ડોકિયું કરતા ભાઈએ ટપારતા ગુસ્સામાં આવીને બે ગોળીઓ છોડી યુવકને ગળા અને કોણીના ભાગે ઇજા
લાલપુર તાલુકાના મુરીલા ગામમાં ફાયરિંગની ચકચારી ઘટના સામે આવી હતી. જેમાં નજીવી બાબતે બે પિતરાઈ ભાઈઓ વચ્ચે બોલાચાલી થયા બાદ મોટાબાપુના દીકરાએ ભાઈ પર દેશી તમંચાથી ફાયરીંગ બે રાઉન્ડ કરી દીધા ભાઈને લોહી લુહાણ હાલત થઇ હતી. જેને પગલે તેઓને સારવાર અર્થે તાબડતોબ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે ઘાયલ ભાઈની ફરિયાદ આધારે પોલીસે આરોપી ભાઈ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી પોલીસના હાથવેંતમા હોવાનું અને ધરપકડ માટે તજવીજ ચાલી રહી હોવાનું લાલપુર પોલીસ મથકના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મુરીલા ગામે રહેતા ખીમાભાઈ મેરામણભાઈ વસરા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ખીમાભાઈ પર તેના જ મોટાબાપુના દીકરા નારણભાઈ પુંજાભાઈ વસરાએ બે રાઉન્ડ ફાયરિંગ કરતા અફરાતફરી મચી જવા પામી હતી. દેશી તમંચા થકી ફાયરીંગ કરતા ભાઈને ડાબા હાથની કોણી નજીક અને ગળાના ભાગે છરો વાગતા લુહીલુહાણ હાલત થવા પામી હતી. જેને લઈને ખીમાભાઈને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેઓએ આરોપી સામે ફરિયાદ દાખલ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ કેસમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી મોટાબાપુના દીકરા અને ફરિયાદીના પરિવારને લાંબા સમયથી વ્યવહાર ન હતો. આ દરમિયાન ગઇકાલે રાત્રિના સમયગાળા દરમિયાન ફરિયાદી ખીમાભાઈના પત્ની પોતાના વાડામા ભેંસો દોઈ રહ્યા હતા. ત્યારે આરોપી ડોકિયા કરતો હતો.આમ જોવા બન્ને બન્ને પિતરાઈ ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે જોતજોતામાં મોટું રૂમ ધારણ કરી લેતા ’હું તને જોઈ લઇશ’ એવું જણાવી આરોપી દોડી ગયો હતો અને ભાઈને પતાવી દેવાના ઇરાદે ઘરમાંથી દેશી હથિયાર લઈ આવી ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી દેતા ભાઈની હાલત ગંભીર બની હતી.
બીજી બાજુ આ પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક તપાસનો દૌર લંબાવી કાર્યવાહી ધરી હાથ ધરી હતી. જેમા આરોપી સુધી પહોંચવામાં લાલપુર પોલીસ સફળતાની નજીક હોય તેમ જાણવા મળી રહ્યું છે.