જામનગરમાં ખાખીનો ખોફ ઓસરી ગયો હોઈ તેમ આવારા તત્વો બેફામ થયા છે ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં જમીનના પ્રશ્ને વૃદ્ધ ખેડૂત પર જીપ ફેરવી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ત્રણ શખ્સોએ જમીનનો કબજો મેળવવા માટે વૃદ્ધને માર મારી નાસી છુટ્યા હતા આ મામલે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નવાગામ શિકારીની છે જ્યાં ગઈ કાલે મોડી રાત્રે ૨ વાગ્યે ૬૫ વર્ષના વૃદ્ધ ખેડૂત પર હુમલો કરી તેના પર જીપ ફેરવી દઈ હત્યા નિપજાવવા અંગે તે જ વિસ્તારમાં રહેતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે.
ભીખાભાઈ બધાભાઈ કેશવાલા નામના ૬૫ વર્ષના વૃદ્ધ ખેડૂત કે જેઓ પોતાના ફઈબા કે જેઓ લંડનમાં રહેતા હતા અને તેઓની ખેતીની જમીનની સાર સંભાળ રાખીને પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા. પરંતુ ફોઈબા મૃત્યુ પામતા જમીનનો કબજો ભીખાભાઈ પાસે હતો. જે જમીનના કબજા મામલે નવાગામમા જ રહેતા બલદેવ સવદાસભાઈ ગોરાણીયા, સંજય સવદાસભાઈ ગોરાણીયા અને તેનો એક સાગરીત જમીનનો કબ્જો મેળવવાના પ્રશ્ને તકરાર કર્યા બાદ ગઈ રાતે બે વાગ્યાના અરસામાં એક જીપમાં આવ્યા હતા અને ભીખાભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો. હુમલાના કારણે ભીખાભાઈ ઇજાગ્રસ્ત થઈને નીચે પટકાઈ પડ્યા હતા. જે દરમિયાન ત્રણેય આરોપીઓએ જીપમાં બેસીને તેમના પર થાર જીપ ફેરવી દેતા તેમનું મોત નીપજ્યું હતું.
વૃદ્ધની હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી છુટ્યા હતા. આ બનાવ મામલે મૃતક ભીખાભાઈના પુત્ર ભરત કેશવાલા દ્વારા મેઘપર પોલીસને જાણ કરી હતી અને ત્રણેય આરોપીઓ સામે પોતાના પિતાની હત્યા નિપજાવવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના અનુસંધાને પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નીન્ધીને શોધખોળ હાથ ધરી છે અને વૃદ્ધના મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.