ઉતર પ્રદેશમાં બહાર આવેલા ટેન્ટ કૌભાંડ વાળા

મીની કુંભમેળામાં આચરાયેલા ભ્રષ્ટાચાર સામેના આક્ષેપો અને ફરિયાદની તટસ્થ તપાસ કરવા ભાજપ અગ્રણી અમૃત દેસાઇની માંગ

ઉત્તર પ્રદેશમાં બહાર આવેલા ટેન્ટ કૌભાંડ વાળા લલ્લુજી એન્ડ સન્સ એ સને ૨૦૧૯ માં જૂનાગઢમાં યોજાયેલા  મીની કુંભ મેળામાં પણ ટેન્ટ સિટી બનાવી હતી અને અહીં પણ કૌભાંડ આચરાયું હોવાનું જે તે વખતે બૂમો ઊઠી હતી અને એક સંત દ્વારા આ અંગે આરટીઆઇ મંગાઈ હતી. ત્યારે સને ૨૦૧૯ ના ભવનાથના કુંભમેળામાં ટેન્ટ સહિતના થયેલા તમામ આક્ષેપોની તટસ્થ તપાસ થાય તેવી ભાજપના અગ્રણી અને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ અમૃત દેસાઈ એ માંગ કરી છે.

ભાજપના પૂર્વ શહેર ભાજપ મહામંત્રી અને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ અમૃતભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, સને ૨૦૧૯ માં જૂનાગઢના ભવનાથ ખાતે લઘુ કુંભ મેળો યોજાયો હતો અને આ કુંભ મેળામાં ૧૮૭ જેટલા એ.સી તથા નોન એસી ટેન્ટ બનાવવામાં આવ્યા હતા જે ઉત્તર પ્રદેશમાં જેમની સામે પોલીસ ફરિયાદ થઇ છે તે લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ઉભા ઉભા કરાયા હતા, અને તેના એક ટેન્ટનું પાંચ દિવસનું ભાડું રૂપિયા ૯૦ હજાર લેખે કુલ રૂપિયા ૧.૮૭ કરોડ જેવી રકમ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચૂકવવામાં આવી હતી. આ સિવાય આ કુંભ મેળામાં જે તે વખતે સંતો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને ખોટા ખર્ચા થયા હોવાની વાતો જગજાહેર થઈ હતી, ત્યારબાદ કમંડળ કુંડના સ્વામી મુક્તાનંદ સ્વામી દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી અને રાજકીય સામાજીક તથા લોકો દ્વારા અનેક આક્ષેપો અને ફરિયાદો ઉઠવા પામી હતી.પરંતુ આરટીઆઇ માંગનાર અને મીની કુંભ મેળામાં ૨૦૧૯ ની સાલમાં આચરાયેલા ભ્રષ્ટાચાર અંગે લડત કરનારા મુક્તાનંદ સ્વામી દેવલોક પામતાં આ પ્રકરણ હવે દબાઈ જવા પામ્યું છે, ત્યારે આ કુંભ મેળા અંગે જે પણ આક્ષેપો અને ફરિયાદ થઇ હોય તેની તટસ્થ તપાસ થવી જોઇએ તેવી ભાજપના પીઢ અગ્રણી અને લઘુ ઉદ્યોગ પાર્ટીના પ્રમુખ અમૃત દેસાઈ એ માગણી કરી છે.જો કે એક આક્ષેપ અને ચર્ચાતી વાતો મુજબ સને ૨૦૧૯ માં જૂનાગઢના ભવનાથ ખાતે યોજાયેલા મીની કુંભ મેળામાં લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ૧૮૭ એસી અને નોન એસી ટેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા, તે જો ખરેખર નવા બનાવી ઉભા કરવામાં આવે તો, રૂ. ૩૦થી ૪૦ હજારમાં બની શકે તેમ હતા, પરંતુ ટેન્ટનું પાંચ દિવસનું ભાડું ૯૦ હજાર રૂપિયા લેખે ગણતરી કરી, રૂપિયા ૧.૮૭ કરોડ લલ્લુજી એન્ડ સન્સને ચૂકવવામાં આવ્યા હતા, અને આમાં કંઈક મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું જે તે વખતે જોરશોરથી ચર્ચાઈ રહ્યું હતું, તથા લલ્લુજી એન્ડ સન્સ દ્વારા બનાવાયેલા આ ટેટસ મોટાભાગે ખાલી રહેતા આટલા રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયા હોવાથી જે તે વખતે સંતો દ્વારા નારાજગી પ્રસરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.