મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી લોકસેવાની સરાહના કરી, નવજાત દીકરીને ચાંદીનો સિક્કો આપી વધાવતા મુખ્યમંત્રીશ્રી
સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં લોકઆરોગ્યની ખેવના કરતી સંસ્થા લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રની મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણીએ આજે મુલાકાત લીધી હતી. અહીં વિવિધ વિભાગોમાં રૂબરૂ જઇ આરોગ્યલક્ષી કામગીરીની માહિતી મેળવી હતી. અહીં દવાખાનામાં એક દીકરીનો જન્મ થતાં તેમને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચાંદીનો સિક્કો આપી વધાવવામાં આવી હતી.
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ખાતે છેલ્લા ત્રણ વરસથી શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્ર પ્રવૃત છે. તેના લાભાર્થે તા. ૩/૨ થી રામકથાનો પ્રારંભ થયેલ. આ પવન પ્રસંગે આજરોજ રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રામકથામાં ઉપસ્થિત રહીને પ્રખર રામાયણીશ્રી મોરારીબાપુનાં શ્રીમુખેથી થઇ રહેલ રામકથાની અમૃતવાણીનું રસપાન કર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણી રામકથામાં ઉપસ્થિત થતા પહેલા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંસ્થા સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રનાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી આ તકે સંસ્થાનાં પ્રમુખશ્રી હરીશભાઇ મહેતા તથા ઉપપ્રમુખશ્રી ડો. નંદલાલ માનસતાએ કેન્દ્રમાંચાલતી વિવિધ આરોગ્ય સેવાઓની જાણકારી પુરી પાડી હતી
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનનાં પ્રમુખશ્રી હરેશભાઇ મહેતાએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકારીને શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર અંગે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, સાવરકુંડલા ખાતે શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ ૭ જાન્યુઆરી-૨૦૧૫નાં રોજ કરવામાં આવેલ જેનાં ત્રણ વર્ષ સફળ અને સંતોષદાયી રીતે પુર્ણ થયા છે અને આરોગ્ય કેન્દ્રનો ત્રણ લાખથી વધારે લોકોએ આરોગ્ય સેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે.
વધુમાં તેઓશ્રીએ જણાવ્યુ હતુ કે, સમાજની અપેક્ષાઓથી પ્રેરિત થઇ હોસ્પિટલમાં નવા સુવિધાપૂર્ણ વિભાગોનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં અધતન ઉપકરણોથી સુસજજ ઓપરેશન થીયેટર સાથેનો સર્જિકલ વોર્ડ, રેડિયોલોજી થીયેટર ડિપાર્ટમેન્ટ, આઇ.સી.યુ. વગેરેનો સમાવેશ થાય છે.