ભાજપ દ્વારા ગઇકાલે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં 160 મૂરતીયા જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાની આઠ પૈકી સાત બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન ધોરાજી-ઉપલેટા બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર ન કરવામાં આવતા ગઇકાલે મોડી રાત સુધી એવી ચર્ચા ચાલતી હતી કે કોંગ્રેસના સિટીંગ ધારાસભ્ય લલીતભાઇ વસોયા પંજાનો સાથ છોડી કેસરિયા કરી લેશે અને ભાજપ તેઓને ધોરાજી-ઉપલેટા બેઠક પરથી ચૂંટણીમાં ઉતારશે. પરંતુ મોડી રાત્રે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે. કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોના નામની બીજી યાદી સૌરાષ્ટ્રના 17 સિટીંગ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં લલીતભાઇ વસોયાનું નામ
પણ સામેલ છે. એક વાત ફાઇનલ થઇ ગઇ છે કે લલીતભાઇ વસોયા ધોરાજી-ઉપલેટા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ મેદાનમાં ઉતરશે. ગણતરીની કલાકોમાં ભાજપ દ્વારા પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલતી હતી કે લલીતભાઇ વસોયા ગમે ત્યારે કોંગ્રેસનો સાથ છોડી કેસરિયો ખેસ ધારણ કરી લેશે પરંતુ કોંગ્રેસની બીજી યાદીમાં તેઓનું નામ ધોરાજી-ઉપલેટા બેઠક પરથી જાહેર કરી દેવામાં આવ્યું હોય હવે તેઓ કોંગ્રેસમાં છે તે પૂરવાર થઇ ગયું છે.