શાળાએ 20માંથી 20 ગુણ આપ્યાને બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા: શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પરીક્ષા, નોટબુક સહિતની વિગતો સાથે આચાર્યને હાજર રહેવા ફરમાન
શિક્ષણ બોર્ડે તાજેતરમાં જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં શાળાઓએ આપેલા આંતરિક ગુણમાં વિસંગતતા હોવાનું સામે આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓને શાળાઓએ 20માંથી 20 ગુણ આપી દીધા છે જ્યારે શિક્ષણ બોર્ડ દ્વારા આવા તમામ વિદ્યાર્થીઓને શાળાકીય પરિણામો તથા નોટબુક સહિતની તમામ વિગતો સાથે શાળાના આચાર્યોને હાજર રહેવા ફરમાન કર્યું છે. શાળાઓ દ્વારા ખોટી રીતે વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવ્યા હોવાનું પ્રાથમિક રીતે જણાતા હવે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 24-જુલાઇ, 2018ના રોજ પરિપત્ર કરી શૈક્ષણિક વર્ષ-2019-20 થી ધોરણ-9 થી 12ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ધોરણ-10ની પરીક્ષામાં 50 ટકા પ્રશ્ર્નો એમસીક્યુ પધ્ધતિને બદલે 20 ટકા હેતુલક્ષી પ્રશ્ર્નો રહેશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત બોર્ડની પરીક્ષામાં ધોરણ-10માં બોર્ડની પરીક્ષાનો ગુણભાર 70 ટકાથી વધારીને 80 ટકા કરાયો હતો. જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ટકા રહેશે. તેવું નક્કી કરવામાં આવશે. જેથી શૈક્ષણિક વર્ષ-2019-20 થી ધોરણ-10માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના સ્થાને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ રહેશે. જેમાં 5 ગુણ પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણના આધારે, 5 ગુણ બીજી કસોટીમાં મેળવેલા ગુણના આધારે, 5 ગુણ નોટબુક સબ્મીશનના આધારે અને 5 ગુણ સબ્જેક્ટ એક્ટિવીટીના રહેશે.
તેમ જણાવાયું હતું. આમ શિક્ષણ બોર્ડ દ્વારા આંતરિક ગુણની ગુણાંકન પધ્ધતિનો સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવ્યો હોવા છતાં પણ માર્ચ-2023ના પરિણામમાં આંકડા જોતા અનેક શાળાઓએ આંતરિક મૂલ્યાંકનના ગુણાંકનમાં પ્રાથમિક દ્રષ્ટિએ વિસંગતતા જણાય છે. આ બાબત શિક્ષણ બોર્ડના ધ્યાને આવતા તેમણે તાત્કાલીક આવી શાળાઓના આચાર્ય અને વિદ્યાર્થીઓના પ્રથમ, દ્વિતીય પરીક્ષાની ઉત્તરવહીઓ, નોટબુક અને એક્વિટીવીના દસ્તાવેજો, ઓનલાઇન ગુણાંકનની વિગતો, વિષય પ્રમાણે સર્વગ્રાહી પરિણામ પત્રકો લઇને રૂબરૂ બોલાવ્યા છે.