રોકડ રૂ.૭૦,પ૦૦, મોબાઈલ નંગ ૧૦ તેમજ ચાર મોટર સાયકલ મળી કુલ રૂ.૧,૮ર,પ૦૦નો મુદ્દામાલ કબ્જે

હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમ વિસ્તારની વાડીએ જુગાર રમતા નવ શખ્સોને હળવદ પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખ્સોને હળવદ પોલીસ મથકે લાવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.જયારે જુગારના પટમાંથી રોકડ રૂ.૭૦,પ૦૦, મોબાઈલ નંગ ૧૦ તેમજ ચાર મોટર સાયકલ મળી કુલ રૂ.૧,૮ર,પ૦૦નો મુદ્‌ામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રીના પી.આઈ. એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસના ગંભીરસિંહ ચૌહાણ, વિજયદાન ગઢવી, પંકજભા ગઢવી સહિતના તાલુકાના રણજીતગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ પ્રકાશભાઈની વાડીએ દરોડો પાડતા નવ જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. જુગારના પટમાંથી રોકડા રૂ.૭૦,પ૦૦, મોબાઈલ નંગ ૧૦ કિ.રૂ.રર હજાર તેમજ ચાર મોટર સાયકલ કિ.રૂ.૯૦ હજાર મળી કુલ રૂ.૧,૮ર,પ૦૦નો મુદ્‌ામાલ ઝડપી લીધો હતો.

જયારે જુગારમાં ઝડપાયેલા પ્રકાશભાઈ સુંદરભાઈ મોરી (રહે.રણજીતગઢ), કમલેશ હરજી પટેલ (રહે.રણજીતગઢ), બળદેવ બચુ પટેલ (રહે.રણજીતગઢ), હિરાલાલ મનસુખ દલવાડી (રહે.રણજીતગઢ), મહેશ શામજી દલવાડી (રહે.રણજીતગઢ), મહેશ રણછોડ પટેલ (રહે.રણજીતગઢ), રમણીક ઠાકરશી ડાભી (રહે.રણજીતગઢ), ઈશ્વર મનજી કણઝરીયા (રહે.રણજીતગઢ), જેસીંગ માનસુર રાજગોર (રહે.હળવદ, સ્વામીનારાયણનગર) સહિત નવ પત્તાપ્રેમીઓને રંગે હાથ ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લાવી જુગાર ધારા હેઠળ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ દરમિયાન ચાલતા જુગારધામ પર હળવદ પંથકમાં પોલીસ દ્વારા દરોડા પર દરોડા પાડી કડક હાથે કાર્યવાહી કરી રહી છે. જેના પગલે ઘણા જુગારીઓને શ્રાવણીઓ જુગારના ઓરતા અધુરા રહેવા પામ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.