અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
લખતર તાલુકાનાં વિઠ્ઠલાપરા ગામે બેકાબુ બનેલા આઈસરના ચાલકે પાણી ભરીને જતી મહિલાઓને અડફેટે લેતા બે મહિલાના મોત નિપજ્યાં હતા. જોકે, બેકાબુ આઈસર બસસ્ટેન્ડમાં ઘુસી જતા ચાલકનું પણ મોત નિપજ્યુ હતુ. આ ગંભીર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે
લખતર તાલુકાના વિઠ્ઠલાપરા ગામ પાસે પુરઝડપે આવી રહેલા આઈસરના ચાલકને બમ્પ ન દેખાતા બમ્પ સ્પીડમાં કુદાવતા આઈસર પરનો કાબુ ગુમાવ્યો હતો. દરમિયાન વાહનોની અવરજવરના કારણે પાણી ભરીને જતી મહિલાઓ રસ્તા ઉપર ઉભી હતી. ત્યારે આઇસરના ચાલકે મહિલાઓના ટોળાને અડફેટે લીધું હતું. બાદમાં આઈસર વિઠ્ઠલાપરા ગામના બસસ્ટેન્ડમાં ઘુસી દિવાલ સાથે ધડાકાભેર અથડાયુ હતુ.
જીવ બચાવવા જતા આઈસર ચાલક બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા ચાલકને પણ કાળ ભેટયો: ત્રણ મહિલા ગંભીર
આ ગંભીર અકસ્માતમાં મહિલાઓના ટોળામાંથી લક્ષ્મીબેન ઘનશ્યામભાઈ ઉપાધ્યાય (ઉં.વ.29)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ટીડીબેન ગણેશભાઈ મકવાણા (ઉં.વ.70) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
જ્યારે આઇસરના ચાલક કેવલરામ (ઉં.વ.27, રહે. બાડમેર, રાજસ્થાન)નું મોત નિપજ્યું છે. આ ઉપરાંત અન્ય ત્રણ મહિલાને ઈજા થઈ હતી જેમને સારવાર અર્થે વિરમગામની હોસ્પીટલ ખસેડવામાં આવી છે.
અકસ્માતની જાણ થતા લખતર પોલીસે ધટનાસ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવને પગલે વિઠ્ઠલાપરા ગામમાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી ફેલાઈ જવા પામી
હતી.