જામનગરમાં તળાવની પાળે ભારે વરસાદ દરમિયાન તળાવની પાળ ફરતે કરવામાં આવેલ આડશવાળી દીવાલ તૂટી જવા પામી હતી. પરિણામે દરરોજ વોકિંગ માટે જતા લોકો માટે હાલ આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આથી નિયમિત વોકિંગ કરતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, જો કે બે દિવસમાં આ સુવિધા શરૂ કરી દેવા મા આવશે તેમ જાણવા મળ્યું છે.
થોડા દિવસ પહેલા થયેલા ભારે વરસાદમાં તળાવની પાળે દીવાલ તૂટી પડી હતી. આથી સુરક્ષાના કારણોને ધ્યાનમાં લઈને ત્યાં અવરજવર અને વોકિંગ માટે આવતા લોકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી આ માર્ગબંધ હોવાથી દરરોજ વોકિંગ કરવા જતા લોકો હવે અકળાયા છે, અને આ સુવિધા ક્યારે શરૂ થશે તેવો સવાલ ઊઠાવી રહ્યા છે. જો કે, મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે ત્યાં ત્રણ સ્થળે કામ ચાલી રહ્યું છે, અને બે દિવસમાં આ સેવા પુન: શરૃ કરી દેવામાં આવશે.
લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ આ રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યાં બે સ્થળે બેરી કેટિંગ કરાયું છે, જ્યારે એક સ્થળે માટી ભરેલી બેગો મૂકી દેવામાં આવી છે. રવિવારથી લાખોટા લેડ ખાતે સહેલાણીઓ ફરવા આવી શકે છે. તથા લોકો મોનિંગ વોક માટે પણ આવી શકશે.