જુના ઝઘડામાં યુવાનની શોધખોળમાં આવેલા ટોળાએ મહિલા સહિત ત્રણ લોકોને માર મારી દહેશત ફેલાવી
શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ઝઘડાને ખાર રાખી ૧૦ જેટલા શખ્સોએ મોડી રાત્રે લક્ષ્મીનગર વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી ત્રણ લોકો પર હુમલો કરી આતંક મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં માલવીયનગર પીએસઆઇ યુ.બી. જોગરાણા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા જગપ્રસાદ બુધઇ શાહુ, આશાબેન ઇશ્વરભાઇ અને કેશાભાઇ જીણાભાઇ ખારસીયા પર લાલા ભરવાડ, સાગર ભરવાડ સહીત દસ જેટલા શખ્સોએ ધોકા પાઇપ વડે હુમલો કરી આસપાસના વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.
કેશાભાઇ ખારસીયાના પુત્ર અશોકે બહાર કોઇ ભરવાડ શખ્સ સાથે માથાકુટ કરી હોય જેના પગલે લાલો ભરવાડ, સાગર ભરવાડ સહીત દસ જેટલા શખ્સો અશોકની શોધખોળ માટે લક્ષ્મીનગર વિસ્તારમાં ધસી આવ્યા હતા. જયાં પહોંચી ભરવાડ શખ્સોએ ઉભેલા વાહનોમાં ધોકા પાઇપ વડે તોડફોડ ચાલુ કરી હતી. તોડફોડનો અવાજ સાંભળતા જગપ્રસાદ બહાર તપાસ કરવા આવતા ભરવાડ શખ્સોએ વૃઘ્ધ પર હુમલો કરતા નિર્દોષ વૃઘ્ધને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયારે અશોકની શોધખોળ કરતાં ટોળાએ અશોકના પિતા કેશાભાઇ અને આશાબેન પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા ત્રણેય લોકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ટોળાએ હુમલો કર્યા બાદ પાસે પાર્ક કરેલી ઇનોવા કાર અને સાત આઠ રીક્ષાઓમાં ધોકા મારી કાચ તોડી નાસી છુટયા હતા.
ઘટનાની જાણ થતાં જ માલવીયાનગરનાં પીએસઆઇ યુ.બી. જોગરાણા સહીતનો સ્ટાય ઘટના સ્થળે દોડી ગયો હતો. લાલો ભરવાડ સાગર ભરવડા સહીત દસ શખ્સો સાથે ફરીયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે.