રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી વિજયભાઇ રૂપાણી-2017માં 53,833 મતોથી વિજેતા બન્યાં હતાં: ડો.દર્શિતાબેન શાહ 1,05,975 લીડ સાથે ચૂંટાયા
રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકને ભાજપનો અડિખમ ગઢ માનવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં ભાજપનું શાસન ન હતું ત્યારે પણ ભાજપ આ બેઠક પરથી સતત વિજેતા બની રહ્યું છે. આ બેઠક કાર્યકરોના તપથી તપેલી હોય તેવું માનવામાં આવે છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતાના રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા પરથી લડ્યા હતાં. આ બેઠકે ગુજરાતને બબ્બે મુખ્યમંત્રી આપ્યાં છે. આ ઉપરાંત અનેક નેતાઓ પણ આપ્યા છે. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ડેપ્યૂટી મેયર ડો.દર્શિતાબેન શાહે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો લીડનો રેકોર્ડ બ્રેક કર્યો છે. તેઓ 1,05,975 મતોથી વિજેતા બન્યાં છે. નવી સરકારમાં તેઓને મંત્રીપદ મળે તેવી સંભાવના પ્રબળ બની જવા પામી છે.
વર્ષ-2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ સામે 53,833 મતોથી વિજેતા બન્યાં હતાં. આ બેઠક પર ભાજપને 2017માં સૌથી વધુ લીડ મળ્યાંનો રેકોર્ડ પ્રસ્થાપિત થયો હતો. વિજયભાઇ રૂપાણીએ ચૂંટણી નહિ લડવાની અનિચ્છા વ્યક્ત કરતાં ભાજપે આ બેઠક પરથી રાજકોટ મહાનગર પાલિકાના ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ પર પસંદગીનું કળશ ઢોળ્યું હતું. ભાજપ માટે ગુજરાતની જે સૌથી સલામત બેઠક માનવામાં આવે છે તેમાં રાજકોટ પશ્ર્ચિમ બેઠકનો સમાવેશ થાય છે.
જો કે, આ બેઠક પર ભાજપે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ટિકિટ કાપીને ડો.દર્શિતાબેન શાહને ટિકિટ આપતા એવી પણ ચર્ચાઓ થઇ રહી હતી કે આ સીટ જાળવી રાખવામાં ભાજપને રિતભાર પણ મુશ્કેલી પડશે નહિં પરંતુ વિજયભાઇ કરતા લીડ થોડી ઓછી મળશે. જો કે, રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના મતદારોએ તમામ રાજકીય પંડિતોના અનુમાનને ખોટા પાડ્યાં છે. ડો.દર્શિતાબેન શાહ રેકોર્ડ બ્રેક 1,05,975 લીડથી વિજેતા બન્યાં છે. આ વિધાનસભા મત વિસ્તારમાં આવતા તમામ વોર્ડ ભાજપ પાસે છે. સાથોસાથ ડો.દર્શિતાબેન શાહ પણ છેલ્લી બે ટર્મથી કોર્પોરેટર તરીકે વિજેતા બની રહ્યાં છે અને બે વખત ડેપ્યૂટી મેયરની જવાબદારી સંભાળી રહ્યાં છે. મતદારોએ ફરી એક વખત રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ભાજપને ઐતિહાસિક લીડ અપાવી છે.
રાજકોટની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર મહિલા ઉમેદવારો ઉતારવામાં આવ્યાં હતાં. આ બંને મહિલા ઉમેદવારો વિજેતા બન્યાં છે. નવી સરકારના મંત્રી મંડળમાં રાજકોટને સ્થાન મળે તે નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું હોય છે. જે રીતે બે મહિલા ઉમેદવારને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી તેના પરથી એક વાત નિશ્ર્ચિત છે કે મહિલા ધારાસભ્યને જ નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. આવામાં ડો.દર્શિતાબેન શાહ રેકોર્ડ બ્રેક લીડથી જીત્યાં હોય તેઓને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઇ રહી છે. જો તેઓને મંત્રી મંડળમાં લઇ જવામાં આવશે તો ભાજપ હાઇકમાન્ડ દ્વારા તેઓનું કોર્પોરેટર પદેથી રાજીનામું લઇ લેવામાં આવશે. તેવું પણ ચર્ચાઇ રહ્યું છે. રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર ભાજપને રેકોર્ડ બ્રેક લીડ મળી છે. જે રાજ્યની 182 બેઠકો પૈકી જે 10 બેઠકો પર સૌથી વધુ લીડ મળી છે. તેનો સમાવેશ થાય છે.
પ્રભુ,પાર્ટી અને પ્રજાનો આભાર માનું છું: ડો.દર્શીતાબેન શાહ
રાજકોટ વિધાનસભા 69 બેઠકના વિજેતા ડો.દર્શીતાબેન શાહે જણાવ્યું કે,પ્રભુ,પાર્ટી અને પ્રજાની આભારી છું.લોકોએ ફરીથી ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મુક્યો છે.આવનાર દિવસોમાં વિક્સના કાર્યોને વેગ આપશું.