૬ વર્ષ સુધી લગ્નના વાયદા કરી યુવતી સાથે દુષ્કર્મ આચારનાર પરિણીત પ્રેમીની શોધખોળ
એક યુવતી સાથે છુટાછેટા, બીજા સાથે રીલેસનશીપ રાખી, ત્રીજા સાથે વિડીયો કોલીંગ કરતા પકડાયો
ભોગ બનનાર યુવતી ગર્ભવતી થતાં ૨૦૧૫માં બે વખત ગર્ભપાત કરાવવા પડયા હતા ; કઈ હોસ્પિટલમાં કરાવાયા એ પણ તપાસનો વિષય ?
શહેરમાં સાત વર્ષ સુધી પતિ-પત્નીની જેમ રિલેશન શિપમાં રહ્યા બાદ યુવકે લગ્ન કરવાનો ઈનકાર કરી ’ તું તારા ઘરે, હું મારા ઘરે કહી ’ ઝાકરો આપતા અને યુવતીને છેતરાઈ ગયાનો અહેસાસ થતા આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાવી છે. જેના આધારે પોલીસે મ્યુચ્યુઅલ ફંડને લગતું કામ કરતી કંપનીમાં નોકરી કરતા આરોપી નિરજ વિનોદરાય આડતિયા (રહે. ગીતાનગર સોસાયટી, શેરી નં.૨, જય ચામુંડા એપાર્ટમેન્ટ, ફલેટ નં.૩૦૩) વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ શરૃ કરી છે.ભોગ બનનારે પોલીસને જણાવ્યું કે, ૨૦૧૩માં ઢેબર રોડ વિસ્તારમાં તે એક શેરની કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે ત્યાં કોઈ કામ માટે આરોપી આવતા એકબીજા સાથે મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. ધીરે-ધીરે બંને વચ્ચે પરિચય વધતા અલગ-અલગ જગ્યાએ ફરવા જવાનું શરૃ કર્યું હતું. બંને વચ્ચે રીલેશનશીપ બંધાઈ જતાં આરોપીએ તેને પોતાના છૂટાછેડા થઈ ગયાનું કહી તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી, એટલું જ નહીં પોતાની માતા લતાબહેન સાથે મળવા માટે પોતાના ઘરે પણ લઈ જતા લતાબહેન પણ તેમના લગ્ન માટે સહમત થઈ ગયા હતા.
૨૦૧૪ની સાલમાં એક દિવસ આરોપીએ તેને પોતાની માતા મળવા માગે છે તેમ કહી પોતાના ઘરે બોલાવી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઘટનાને કારણે તે અપસેટ થઈ જતાં આરોપી સાથે થોડા દિવસ વાતચીત કરી ન હતી. આ વખતે આરોપીએ ફરીથી પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલુ હોવાનું કહી હમણાં લગ્ન નહીં કરી શકું આ માટે બે-ચાર મહિના લાગશે તેમ કહ્યું હતું. પરિણામે તેણે પોલીસ કેસ કરવાની વાત કરતા આરોપીએ પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તત્કાળ તેની સાથે લગ્ન માટે તૈયારીઓ બતાવી તેને પોતાના ઘરે જ રહેવા માટે બોલાવી લીધી હતી. જેને કારણે તે લગ્ન કર્યા વગર તેના ઘરે જ રહેવા લાગી હતી.
લગભગ દોઢ વર્ષ સુધી બંને સાથે રહ્યા હતા, આ દરમિયાન તેણે ઘણી વખત લગ્ન કરવાનું કહેતા આરોપી બહાના બતાવી દેતો હતો. ૨૦૧૬ની સાલમાં આરોપીને પોતાની માતા સાથે બોલાચાલી થતાં મોરબી ટ્રાન્સફર કરાવી લીધી હતી. જેથી તે પણ તેની સાથે મોરબી રહેવા જતી રહી હતી. ૨૦૧૭માં ફરીથી આરોપીની રાજકોટ ટ્રાન્સફર થતાં માધાપર ચોકડી પાસે એક ફલેટમાં રહેવા આવ્યા હતા. જ્યાં પતિ-પત્ની તરીકે જ રહેતા હતા.
૨૦૧૭ના ઓક્ટોબર માસમાં આરોપીના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી અવાર-નવાર આરોપીને લગ્ન માટે તે કહેતી, પરંતુ આરોપી તેની પત્ની હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે, તેમ કહી વકીલે ૩૦ દિવસની મુદ્દત આપ્યાનું કહ્યું હતું. એક દિવસ આરોપીએ તેની પત્નીએ હાઈકોર્ટમાં અપીલ કર્યાનું જણાવી ટૂંક સમયમાં કેસ ફાઈનલ થઈ જશે તેમ કહી થોડો સમય રાહ જોવા કહ્યું હતું. ૨૦૧૮માં આરોપીએ તેના મિત્ર ધર્મેશ રોજારાની માર્કેટીંગને લગતી કંપનીમાં તેને પાર્ટટાઈમ જોબ અપાવી હતી. જ્યારે પણ લગ્નની વાત કરતી ત્યારે આરોપી હાઈકોર્ટમાં છેલ્લી તારીખ છે તેમ કહી સમય કાઢતો હતો.
તેણે આરોપીના મોબાઈલમાં ઘણી યુવતીઓ સાથે ચેટીંગ કરતો હોવાનું જોયું હતું. જે વિશે પૂછતા આરોપી ફ્રેન્ડ સિવાય કાંઈ નથી તેમ કહી મનાવી લેતો હતો. છેલ્લે એક યુવતી સાથે વીડિયો કોલિંગ કરતા તેને રંગેહાથ પકડી લેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી આરોપી અને તે પોત-પોતાના ઘરે રહેવા જતા રહ્યા હતા. ત્યારબાદ અવાર-નવાર આરોપીને લગ્ન કરવાનું કહેતા આખરે ના પાડી દીધી હતી. એટલું જ નહીં હવે મને બીજી છોકરી મળી ગઈ છે, તારે જે કરવું હોય તે કરી લે, હવે આટલો સમય થઈ ગયો, તું કાંઈ કરી નહીં શકે તેમ સ્પષ્ટ કહી દીધું હતું. તેને આરોપી પાસેથી રૃા.૧ લાખ લેવાના હતા, જ્યારે ૧૫ હજાર શેર ખરીદવા માટે આપેલા તે લેવાના હતા. આ રકમ પણ આરોપી આપતો ન હતો.
આરોપી સાથેના સંબંધને કારણે તે બેવાર ગર્ભવતી થઈ ગઈ હતી. જેને કારણે ૨૦૧૫ની સાલમાં બેવાર ગર્ભપાત પણ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેરમાં આ રીતે લગ્નની લાલચ આપી યુવતીઓનું શારીરિક શોષણ કર્યા બાદ લગ્નનો ઈનકાર કરી દેવાયાના કિસ્સાઓમાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે.