વિશ્વભરમાં હળવદના લાડુ સુવિખ્યાત છે: ભગવાન ગણેશજીને મોદક અતિ પ્રિય હતા: આદિકાળથી સારા-નરસા પ્રસંગે લાડવાનું વિશેષ મહત્વ છે: બાળકનાં જન્મ બાદ માતૃપક્ષવાળા દિકરીને ઘેર ‘લાડવા’ લઇ જવાનો રિવાજ આજે પણ ચાલુ છે
લાડવા ઉપર લગાવવામાં આવતી ખસખસ તેને પચાવવામાં મદદ કરે છે: હનુમાનજી માટે ચણાના લોટમાંથી લાડુ બનાવાય છે: મહારાષ્ટ્રીય લોકો લાડવાનો પારંપરિક વ્યજંન કહે છે
શુભ પ્રસંગે આપણી માંગણી લાડવાની હોય છે. લોકો ખુશી વ્યક્ત કરાવ પણ લાડવાથી મોં મીઠુ કરાવે છે. સુખડીમાંથી લાડવા બન્યા કે લાડવામાંથી સુખડી તે નક્કી થતું નથી પણ આદિકાળથી આપણી પહેલી મીઠાઇ લાડવા જ છે. બનાવવામાં સહેલાને શક્તિવર્ધક લાડવા આરોગવાની આજે તો સ્પર્ધા પણ થાય છે. આજે લાડવા ખાનારાનો વર્ગ ઓછો છે પહેલા લોકો 8 થી 10 લાડું ખાઇ શકતા હતા. આજે એક માંડ ખાય શકે છે. ઘી, ગોળ અને લોટનો ત્રિવેણી પોષ્ટિક સંગમ એટલે લાડવા. આજના યુગમાં લાડવામાં પણ વિવિધ વેરાયટી જોવા મળે છે. ચુરમાના લાડુ બાદ બુંદીના લાડું આવ્યા તો લાસા લાડવા ચણાના લોટનો તો સાતમ-આઠમની શાન ગણાતી હતી.
આજે ઝીણી, જાડી બુંદી, ગોળ કે ખાંડના સાથે લોટમાં પણ રવો નાંખીને ટેસ્ટી લાડવા બનાવાય છે. આ લાડવા એક સપ્તાહ સુધી બગડતા ન હોવાથી લોકો તહેવારો કે બહારગામ જતી વખતે નાસ્તા માટે લઇ જતા હોય છે. સુકા મેવાના લાડવાની આજે બોલબાલા છે. આજે 21મી સદીમાં પણ મિઠાઇમાં લાડવા ઓલટાઇમ ફેવરિટ છે.
લાડવા….મોદક……ભારતની સૌથી પૌરાણિક મિઠાઇ છે. આદિકાળથી સારા પ્રસંગે લાડવાનો મહિમા આપણી પરંપરા સાથે જોડાયેલો છે. ભારતના લગભગ દરેક રાજ્યમાં લાડવા શુભ મિઠાઇ છે. જો કે તેના અલગ-અલગ નામો છે. જેમાં લઠ્ઠું, મોદક, લાડવા સાથે વિવિધ પ્રકારના લાડવા બને છે. વર્ષોથી ઘી, ગોળ અને લોટથી લાડવા બનતા આવ્યા છે. પરિવર્તન અને બદલાતી લાઇફ સ્ટાઇલમાં લાડવાએ પણ અવનવા રંગો બદલ્યા છે. મુખ્યત્વે ગોળની જગ્યાએ ખાંડ આવી ગઇ છે.
વિશ્ર્વભરમાં લાડવાની વાત આવે એટલે હળવદના લાડવાની વાત આવે જ. છોટે કાશી તરીકે ઓળખાતા હળવદ શહેર ભૂદેવ નગરી તરીકે જાણીતી છે. અહીંના ભૂદેવો લાડવા ખાવામાં વિશ્ર્વભરમાં જાણીતા છે. માત્રે એક જ ટંકમાં 60 લાડવા ખાનાર હળવદના દુર્ગાશંકર બાપા જગવિખ્યાત છે. આજે પણ આ ગામમાં જુવાનિયા 15 થી 20 લાડું આરોગી જાય છે.
લાડું એ ઘઉંના લોટમાં ઘી અને ગોળ કે ખાંડ નાંખીને બનાવાતી મિઠાઇ છે. લાડવામાં કાજુ, બદામ જેવો સુકો મેવો પણ ઉમેરવામાં આવે છે. ક્યારેક કોઇ ખાસ પ્રસંગે ખાવાનો ગુંદ પણ ઉમેરાય છે. ગુજરાતમાં મગજ તરીકે પ્રચલિત મીઠાઇ, ચણાના લોટના લાડવા જ છે. આજે તો તેના વિવિધ રૂપોમાં બુંદીના, ચુરમાના, ગોળીયા, ફીણીયા, ડિંક નારિયેળના, રવાના, મોતીચૂરના અને ગુંદર જેવાના લાડવા બનવા લાગ્યા છે.
હિન્દુ ધર્મની માન્યતા મુજબ લાડવા, શ્રી ગણેશજીની પ્રિય વાનગી મનાય છે. તેમનાં તમામ ચિત્રોમાં પણ હાથમાં લાડુ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત લાડું બ્રાહ્મણોની પણ પ્રિય વાનગી છે. ગુજરાતમાં તો ઘણીવાર લાડું ખાવાની સ્પર્ધા પણ યોજવામાં આવે છે. આવી સ્પર્ધામાં સ્ત્રી-પુરૂષને બાળકો પણ ભાગ લેતા જોવા મળે છે. બાળકના જન્મ બાદ માતૃપક્ષવાળા દિકરીને ઘેર “લાડવા” લઇ જવાનો રિવાજ આજે પણ છે. લાડવામાં ખૂબ જ કેલરી હોવાથી પ્રસુતિ પછી માતાને જલ્દીથી સ્વસ્થ થવા માટે શક્તિ અને પોષણ પુરૂં પાડે છે.
જો આપણે લાડવાના ઇતિહાસ જોઇએ તો ચિકિત્સકની ઉદેશને ધ્યાને રાખીને ભારતીય સર્જરી અને ચિકિત્સાના જનક એવા સુશ્રુત દ્વારા કરવામાં આવ્યો છે. ઉદાહરણ જોઇએ તો તલના લાડુ આપણને બધાને ભાવે છે. ચોથી સદી ઇસ. પૂર્વેમાં સુશ્રુતે તેના દર્દીના ઇલાજ માટે તેને “એન્ટિસેપ્ટિક” રૂપમાં વાપરેલ હતું. ગુંદરના લાડુ પણ આજ વિરાસતની દેન છે.
ભારતમાં ઉત્તર દિશામાં હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશોમાં પણ આ લાડવા પ્રસિધ્ધ છે. લાડવા તાસિરમાં ગરમ હોવાથી ઠંડી ઋતુમાં ખાવાનું ચલણ છે. આજ પ્રકારે આપણે અડદીયા ખાય જ છીએ. મહારાષ્ટ્રમાં દિનકરયે લાડુના નામથી પ્રસિધ્ધ છે. અહીં તેમાં મેથીના દાણા પણ નાંખવામાં આવે છે, જાયફળ પણ નાંખવામાં આવે છે.
લાડવા પર્યાપ્ત માત્રામાં ઉર્જા પ્રદાન કરે છે. જે આપણાં શરીરમાં બે કલાક રહે છે. તે ઘણી પોષ્ટિક સામગ્રીથી બનેલો હોય છે. બે ટાઇમના ભોજન વચ્ચે ખાવા માટે ઉત્તમ છે. નિતનવા લાડવામાં હમણાં ‘કેરીના લાડવા’ પણ બની ગયા જેમાં લોટમાં કેરીનો રસ નાખીને ઘી, ખાંડ જેવી રૂટીન વસ્તુ નાંખીને લગાવાય છે. આપણે ત્યાં મૃત્યુ બાદ બારમાની વિધીમાં પણ લાડુનું જમણ હોય છે. આજે તો ચણાના લોટમાંથી પણ વિવિધ લાડવા બને છે. આપણે સૌરાષ્ટ્રવાળા “લાસા” લાડવા ખાવાના શોખીન છીએ. મોટી બુંદી, જીણી બુંદી કે મોતીચૂરના લાડવા આપણાં તહેવારો, ધાર્મિક પ્રસંગોની પરંપરા છે. લાડવા ઉપર ‘ખસખસ’ લગાડાય છે. જે તેને પચાવવામાં મદદ કરે છે.
અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. વિવિધ પ્રકારનાં મોદક ગણપતિને પૂજન-અર્ચનમાં પ્રસાદ ધરાય છે. ગણેશજીને લાડુ શું કામ પ્રિય છે તેની પાછળનો ઇતિહાસ જોઇએ તો જ્યારે ગણેશજી અને ભગવાન વિષ્ણુ છઠ્ઠા અવતારમાં પરશુરામ ભગવાન સાથે યુધ્ધ કરતાં હતાં, ત્યારે ગણેશજીનો દાંત તૂટી જાય છે, અને તેને ખાવામાં તકલીફ પડવા લાગે છે. એટલે એના માટે ભોગ તૈયાર કરાયો કે મોં મા મૂકે તો તરત જ પિગળી જાય અને તે બનાવ્યા હતા લાડવા !! ત્યારથી ગણેશજી-મોદકની પરંપરા શરૂ થઇ.
આજે પણ સૌપ્રથમ ગણેશજીને લાડુનો પ્રસાદ ધરાવીએ છીએ. મહારાષ્ટ્રમાં ગણેશજીની મૂર્તિનું બાળસ્વરૂપ સ્થાપના કરતાં અને મોદક ધરાવતાં આ બાળ સ્વરૂપના ઇતિહાસમાં જોઇએ તો માતા પાર્વતી ગણેશજીને પૃથ્વીની રક્ષા માટે 10 દિવસ પૃથ્વી પર મોકલે છે. અને આપણે 10 દિવસ પછી વિસર્જન કરીએ એટલે આપણે માતા પાર્વતીના ખોળામાં ગણેશજીને પાછા આપીએ છીએ.
દુનિયાનો સૌથી મોટો લાડવો !!
ભારતના આંધ્રપ્રદેશના તપેશ્ર્વરમ ગામમાં વ્યક્તિગત તરીકે વર્લ્ડ રેકોર્ડ ‘લડું’ નિર્માણ કરાયો હતો. જેનું વજન 29465 કિલોગ્રામ હતું. આ લાડું એક પારંપરીક બુંદી રેસીપીથી બનાવવામાં આવ્યો હતો. જેમાં ઘી, તેલ, લોટ, કાજુ, ખાંડ, બદામ, એલચી જેવી વિવિધ પોષ્ટીક સામગ્રીઓ નાંખવામાં આવી હતી. દુનિયાભરમાં 2016ની સાલમાં આ વિશાળકાય લાડું બનાવીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.
લાડવા ભારતમાં મંદિરોના પ્રસાદમાં, લગ્ન પ્રસંગે બનાવાય છે. વેંકટેશ્ર્વર મંદિર તિરૂમાલા, આંધ્રપ્રદેશમાં આ ‘તીરૂપતિ લડું’ તરીકે પ્રખ્યાત છે. આરતી-પ્રાર્થના સમયે હનુમાનજી માટે ચણાના લોટમાંથી લાડુ બનાવાય છે. મહારાષ્ટ્રીય લોકો પણ લાડવાને પારંપરીક વ્યજંન કહે છે. 6300 કિલોનો લાડું 2012માં આંધ્રપ્રદેશમાં ગણેશ ઉત્સવમાં બનાવ્યો હતો.