કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય એક એવી સંસ્થા છે કે જેમાં બાલીકાઓમાં રહેલ પ્રતિભાને બહાર લાવવાનું કામ કરે છે
સ્ટેટ પ્રોજેક્ટ કચેરી સર્વ શિક્ષા અભિયાન તથા જેન્ડર યુનિટ જામનગર દ્વારા કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય જામનગર, દેવભૂમિદ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથના ઝોન કક્ષાના વાર્ષિકોત્સવ ૨૦૧૮ ‘લાડલીના સુર’ની કૃતિઓ તથા પ્રદર્શન ધનવંતરી ઓડીટોરીયમ ખાતે મેયરશ્રી પ્રતિભાબેન કનખરાના અધ્યક્ષ સ્થાને યોજાયો.
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય(KGBV) ભારત સરકાર દ્વારા ઓગસ્ટ ૨૦૦૪ થી દુર્ગમ વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યુ છે. કન્યાઓ પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી ઉચ્ચ પ્રાથમિક સ્તરે નિવાસી શાળાઓની સ્થાપના કરવામાં આવી. ૧૦ વર્ષથી વધુ ઉમરની શાળા બહારની કન્યાઓ માટે ૭૫% એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., મીનોસ્ટ્રી અને ૨૫% બી.પી.એલ. જુથની કન્યાઓ માટે, સીમ વિસ્તાર, વાડી વિસ્તાર, નેશ વિસ્તાર, ઝંગલ વિસ્તાર, દરીયાકાંઠાના વિસ્તારકે જ્યાં ધોરણ ૫ પછી અભ્યાસ માટે ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ઉપલબ્ધ ન હોય તેવી કન્યાઓને KGBVમાં પ્રવેશ આપવામાં આવે છે. હાલમાં ગુજરાતમાં ૩૩ જીલ્લાની અંદર ૧૦૯ KGBVકાર્યરત છે. આ સંસ્થામાં કન્યાઓને અભ્યાસની સાથે સાથે આત્મરક્ષણ તેમજ જીવન કૌશલ્યની તાલીમ, સ્વચ્છતાની કેળવણી આપવામાં આવે છે.
આ તકે મેયરશ્રી પ્રતિભાબેન કનખરાએ જણાવ્યુ કે, કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય એક એવી સંસ્થા છે કે જેમાં બાલીકાઓમાં રહેલ પ્રતિભાને બહાર લાવવાનું કામ કરે છે. તેઓએ આ તકે બાલીકાઓને અભ્યાસમાં તેમજ સાથે સાથે આ સંસ્થા દ્વારા થઇ રહેલ વિવિધ પ્રવૃતિમાં રસ દાખવી પોતાની પ્રતિભાને ખીલવવા જણાવ્યુ.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જે.ટી. પટેલએ આ તકે જણાવ્યુ કે, બાળકોમાં રહેલ પ્રતિભાને બહાર લાવવા માટે આવા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. શિક્ષણની સાથે સાથે બાળકોમાં રહેલ વિશેષ કૌશલ્ય થકી જ દેશની ઉન્નતી છે. આ તકે તેમણે જાપાનદેશમાં થયેલ તબાહી અને ત્યારબાદ થયેલા વિકાસની વાત કરતા જણાવ્યુ કે, જ્યારે સંપૂર્ણપણે જાપાન તબાહ થયુ ત્યારે તજજ્ઞોની સલાહ લઇ પ્રથમ રહેવા માટે ઘરને બદલે આ તજજ્ઞોએ શાળાઓ બાંધવાની સલાહ આપી હતી અને શિક્ષણને કારણે જ આજે જાપાન ખૂબજ વિકસીત રાષ્ટ્ર છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ડી.બી. પટેલએ જણાવ્યુ કે, બાલીકાઓએ તૈયાર કરેલ કૃતિઓ અને તેના કૌશલ્યની આંતરસ્પર્ધા દ્વારા તેમને પ્રોત્સાહન આપવા માટે આજે અહી ઝોન કક્ષાનો વાર્ષિક ઉત્સવ યોજાયો છે. શિક્ષણ એ માત્ર કાળા પાટીયા પર ચોકથી લખવાનું અને મેળવવાનુ જ્ઞાન નથી પરંતુ બાળકોમાં રહેલ વિવિધ ક્ષમતાઓને બહાર લાવવાનું કાર્ય છે. દરેક બાળકમાં કઇ ને કઇ વિશેષ ક્ષમતાઓ રહેલ હોય છે. રાજ્ય સરકાર દ્વારા બાલીકાઓમાં વિકાસ થાય તે માટે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એચ.એન.દાફડા, નગર પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પાલા, ધ્રોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી હરવરા, સ્ટેટ આસીસ્ટન્ટ ગર્લ્સ એક્યુકેશન-ગાંધીનગર શ્રીહેમાંગી ભટ્ટ અને નિધી ભટ્ટ,જિલ્લા શિક્ષણ સંઘના મહામંત્રી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા,બી.આર.સી. રીપલ ચાવડા, સી.આર.સી. સર્વેશ્રી સંજ્ય ભાટીયા, રાજેશ ભંડેરી, રમેશ પટેલ, શીલુ વિવેક તેમજ ચારેય જિલ્લાના સી.આર.સી. તેમજ અલીયાબાડાના નિવૃત શિક્ષક શ્રી દિલિપભાઇ વ્યાસ અને કાર્યક્રમમાં ભાગ લેનાર બાલીકાઓએ ઉપસ્થિત રહી પોતાનું કૌશલ્ય રજુ કર્યુ હતુ. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે શિક્ષણ તેમજ રમત ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ સિધ્ધી મેળવેલ બાળાઓને શિલ્ડ અને પ્રસંશીય પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com