દાદા ભગવાનની ૧૧૦મી જન્મજયંતિ મહોત્સવ: આત્મજ્ઞાની દિપકભાઈ દેસાઈ દ્વારા આવતીકાલે પ્રશ્ર્નોતરી સત્સંગ: મોતની ગુફા, પપેટ શો, મેરીલેન્ડ, ચિલ્ડ્રન પાર્ક, સેલ્ફી કોર્નર, વિજ્ઞાન ભંડાર સહિતના આકર્ષણો
હું આ છું તેનું દ્રષ્ટિભાવ હતો એ આત્મદ્રષ્ટિનો અનુભવ થયો. હું શુઘ્ધાત્માં છું, કયો વિચાર આવે છે, કઈ વાણી નીકળે છે તેને જોવું અને જાગૃતિમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. નિશ્ર્ચયમાં હું શુઘ્ધાત્મા છું અને વ્યવહારમાં હું પિતા-ધણી કે પુરુષ-સ્ત્રી છું, ઓફિસર છું કે નોકર છું આવું બધું દ્રષ્ટિમાં અને વર્તનમાં હોય, પરંતુ નિશ્ર્ચયમાં હું આત્મા છું જ્ઞાતા-દ્રષ્ટા છું તેને આત્મદ્રષ્ટિ કહેવાય. તેમાં જેટલી જાગૃતિ વર્તે તેટલી શ્રેણી ચડયો કહેવાય. જેટલું કરનાર અને જાણનાર એમ જુદુ રહે, તેટલા પ્રમાણમાં મોક્ષ અને મુકિતનો અનુભવ થતો જાય.
દાદા ભગવાનની ૧૧૦મી જન્મજયંતિ મહોત્સવ રાજકોટ ખાતે ઉજવાઈ રહ્યો છે તેમાં દીપકભાઈ સાથેનો સંવાદ રાખવામાં આવ્યો છે તેની સાથે સાથે વિવિધ પ્રકારના બોધપાઠ મળતા નાટકો પણ રાખવામાં આવ્યા છે. જે અંતર્ગત મોતની ગુફા, પપેટ શો, મેરીલેન્ડ, ચિલ્ડ્રન પાર્ક, સેલ્ફી કોર્નર, બુક સ્ટોલ, વિજ્ઞાન ભંડાર, થીમપાર્ક પણ રાખવામાં આવ્યું છે. જો થીમપાર્કની વાત કરવામાં આવે તો લગભગ ૧,૫૦,૦૦૦ ચો.ફૂટ વિસ્તારમાં દાદા-ભગવાનની જ્ઞાન-વિજ્ઞાનની ઝાંખી કરાવતા મલ્ટિમીડિયા શો, શેડો ડ્રામા, ફિલ્મ તથા ઈન્ટરએકિટવ વર્કશોપ બનાવામાં આવ્યું છે.
બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યું છે. જેમાં બાળકોને ધ્યાનમાં રાખીને પપેટ શો, મૌત કી ગુફા, એનિમેશન ફિલ્મો, રમતો, લકી ડ્રો, સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખાસ પ્રથમ મૌત કી ગુફા વિશે વાત કરવામાં આવે તો મૌત કી ગુફા નામ સાંભળતાની સાથે જ એવું સૂઝી આવે છે કે આ ગુફામાં ભુત, પ્રેત તથા ડરાવતા દશ્યો બતાવવામાં આવશે પરંતુ આ ગુફાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ ગુફામાં ભુત, પ્રેતના પાત્રો દ્વારા વ્યસન મુકિત, ખોટું ન બોલવું, અભિમાન જેવા રાક્ષસોને પોતાના જીવનથી દૂર રાખવા તેવું બોધપાઠ આપતું નાટક ભજવાય છે.
આ વિશે ત્યાં આવેલા સેવાર્થી જીજ્ઞેશ મેવાડાએ જણાવ્યું હતું કે હું મુંબઈ ખાતે રહું છું પરંતુ દાદા ભગવાનની જન્મજયંતિ નિમિતે રાજકોટ ખાતે સેવાનો લાભ લેવા માટે આવ્યો છું. તેમણે મોત કી ગુફા વિશે જણાવ્યું હતું કે, બહારથી જોતા પ્રથમ તો મને પણ એવું લાગ્યું હતું કે, કોઈક ડરાવતા દશ્યો બતાવામાં આવશે પરંતુ એવું નથી આ ગુફામાં વ્યસન મુકિત માટેનો બોધપાઠ આપતું નાટક બતાવવામાં આવ્યું છે. આ નાટકમાં વ્યસન વિશેની બધી જ બાબતો આવરી લેવાઈ છે. તેવી જ રીતે પપેટ શોનું પણ આયોજન અત્રે કરવામાં આવ્યું છે. જેમાં પુતળાઓના માધ્યમથી સમજાવામાં આવ્યું છે કે અતિની ગતિ હોતી નથી તથા અતિશય રમુજ કરવી એ સારી બાબત નથી.
તે ઉપરાંત આ સ્થળે બાળવિજ્ઞાનના સ્ટોલ વિશે જણાવતા ત્યાના સેવાર્થીએ જણાવ્યું હતું કે, અહિંયા બાળકોને આકર્ષણ થતી પુસ્તકો તથા ગેમ્સ તેમજ તેમને ગમતા વિવિધ પાત્રો અને પુતળાઓના માધ્યમથી બાળકોને જીવનના બોધ શિખવતા સી.ડી અને ડી.વી.ડી.નું વેચાણ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. આ સ્થળે માત્ર લાગત મૂલ્યમાં કિતાબો મળી રહે તેવા ઉદેશ્યથી આ બાળ વિજ્ઞાન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહિંયા બાળકો માટે વિવિધતાસભર ચિત્રનગરીનું પણ આયોજન કરાયું છે તેવું તેમણે જણાવ્યું હતું.