આગામી ગુરૂવારે બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી રેલવે પાટા પર આંદોલનકારીઓના ધામા
ગઈકાલે નવા કૃષિ કાયદા ફરજીયાત ન ગણાવી આંદોલન સમેટવાની વડાપ્રધાન મોદીની અપીલ તો બીજી તરફ વિરોધ વધુ તેજ બનાવવા ખેડુતોની ક્વાયત
નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી આંદોલન અવિરતપણે ચાલુ છે. ત્રણેય ખેત બીલ પાછા ઠેલાય તે માંગણી સાથે ખેડુતો દિલ્હી બોર્ડર પર ૭૦ દિવસથી ધરણા પર બેઠા છે. આ આગ કયારે બુઝશે ?? ખેડુતોની ધીરજ ખુટશે તો અહિંસા, ગાંધી વિચારધારાની સાથે ચાલી રહેલ આંદોલન ૨૬મી જાન્યુઆરી જેવો હિંસક વળાંક લે તો પણ નવાઈ નહિ રાજધાનીમાં ગણતંત્ર દીને ટ્રેકટર દિવસ અગાઉ રોડ ચકકાજામ કર્યા બાદ હવે, ૧૮મીએ રેલરોકો આંદોલનનું એલાન કર્યું છે. દેશભરમાં આગામી ગૂરૂવારે બપોરનાં ૧૨ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી ચાર કલાક ટ્રેનોના પાટા પર ધામા નાખવાની જાહેરાત કરી છે. આવતીકાલથી રાજસ્થાનમાં ટોલ ટેકસ બંધ કરાવી વિરોધ કરવા પણ આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે, હજુ ગઈકાલે જ લોકસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા ફરજીયાત ન હોવાનું જણાવી આંદોલન સમેટવા ખેડુતોને અપીલ કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, નવા કાયદાથી ખેડુતોનું હિત થશે. અને જો કોઈ ખેડુતોને નુકશાનકર્તા લાગતુ હોય તો તેઓ માટે આ કાયદા ફરજીયાત નથી. જૂની વ્યવસ્થા ચાલુ જ છે. ખેડુતો માટે એપીએમસી ચાલુ હતી, છે અને રહેશે. નવા કાયદાથી મંડી વ્યવસ્થાને કોઈ ખલેલ પહોચશે નહિ વડાપ્રધાનના આ નિવેદનની તદ્ન વિપરિત આંદોલનકારીઓ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે આગ છે. આંદોલનને વધુ તીવ્ર અને તેજ બનાવવા ખેડુત સંગઠનોએ કવાયત કરી છે.
ગઈકાલે સંયુકત કિશાન મોરચાએ જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, ૧૮મી ફેબ્રુઆરીએ રેલરોકો આંદોલન કરાશે અમારી માંગને વધુ મજબુત બનાવવા આંદોલનને વધુ તેજ બનાવીશું ખેડુત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે અમારા પ્રશ્ર્નોનું હવે જલ્દીથી નિરાકરણ ઈચ્છીએ છીએ, ૧૮મીએ રેલરોકો પહેલા ૧૪ ફેબ્રુઆરીએ પુલવામાં હુમલાનાં શહીદ જવાનોનાં બલિદાનને યાદ કરી દેશભરમાં કેન્ડલ માર્ચ, રેલીયાત્રા સહિતના કાર્યક્રમો યોજીશું.