રાજકોટને 86.90 કરોડ, ભાવનગરને 40.11 કરોડ જામનગરને 38.01 કરોડ અને જૂનાગઢને 19.92 કરોડની ગ્રાન્ટ ફાળવાય
અબતક,રાજકોટ
રાજય સરકારના મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની મહાપાલિકાઓ નગરપાલિકાઓ અને સત્તામંડળોને રૂ.1184 કરોડની ફાળવણી કરવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં મૂળભૂત જરૂરિયાત-બેઝિક એમીનીટીઝની સુવિધાના કોઇ કામ નાણાંના અભાવે અટકશે નહિં તેવી સ્પષ્ટ નેમ દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં કોરોના કાળમાં પણ વિકાસ કામો અટકયાં નથી અને નાનામાં નાના માનવીની જરૂરિયાતોનો વિચાર કરીને તેમણે ફ્રી વેક્સિનેશન, ફ્રી રાશન વગેરે માટે નાણાંની કોઇ કમી આવવા દીધી નથી.મુખ્યમંત્રી રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નગરો-મહાનગરો તથા શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસ કામો માટેના કુલ 1184 કરોડ રૂપિયાના વિવિધ ચેક વિતરણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.
આ સમારોહમાં રાજ્યની 8 મહનગરપાલિકાઓને સમગ્રતયા રૂ. 9પ8.પ0 કરોડ, અ-વર્ગની રર નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. ર.પ0 કરોડ પ્રમાણે કુલ રૂ. પપ કરોડ, બ-વર્ગની 30 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 1.પ0 કરોડ પ્રમાણે કુલ રૂ. 4પ કરોડ તથા ક-વર્ગની 60 નગરપાલિકાઓને પ્રત્યેકને 1 કરોડ 1ર લાખ પ્રમાણે રૂ. 67.પ0 કરોડ તેમજ ડ-વર્ગની 44 નગરપાલિકાઓને દરેકને રૂ. પ0 લાખ લેખે રૂ. રર કરોડ એમ કુલ 189.પ0 કરોડ રૂપિયાના ચેક વિવિધ વિકાસ કામો માટે અપર્ણ કરવામાં આવ્યા હતા. ગ્રામ વિકાસ મંત્રી ચૌહાણ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયા તેમજ રાજ્ય સરકારના દંડક પંકજ દેસાઇ અને મહાનગરોના મેયર, ઉપ મેયર, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો વગેરે આ સમારોહમાં જોડાયા હતા.
ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન દેશના છેવાડાના માનવી, ગરીબ અંત્યોદયના સર્વગ્રાહી વિકાસ માટે દિવસ-રાત પરિશ્રમ રત છે તેમાંથી પ્રેરણા લઇ રાજ્યના વિકાસને જનહિત કાર્યોથી વધુ ઊંચાઇએ લઇ જવા પણ આ તકે આહવાન કર્યુ હતું. તેમણે ઉમેર્યુ કે, વિકાસ કામો માટેનું ભંડોળ શહેરી સત્તાતંત્રના બેંક ખાતામાં ડી.બી.ટી થી જ સીધું જમા થવાનું છે. વડાપ્રધાને આ પારદર્શી અને ઝડપી કાર્યપ્રણાલિ વિકસાવી છે અને પરિણામે વિકાસ કામોમાં વધુ ગતિ, ગુણવત્તા આવી છે.મુખ્યમંત્રીઆએ સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર તથા અધિકારીઓ વચ્ચે સંકલન જાળવીને નાગરિકોને શ્રેષ્ઠત્તમ સુખાકારી-સુવિધા આપતા કામોમાં ગતિ આવે તે જોવા પણ અનુરોધ કર્યો હતો.
શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2009થી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, ગટર, વીજળી, આરોગ્ય અને સ્વચ્છતા માટે વિકાસ ગ્રાન્ટ આપવાની નવી કેડી કંડારી છે. જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યો માટે અત્યાર સુધીની સૌથી વધુ રૂા.1184 કરોડની માતબર રકમ નગરો, મહાનગરોને અપાઇ છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે, વિકાસની રાહમાં કોઇ પાછળ રહી ન જાય તે માટે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ કામો સત્વરે મંજૂર કરવાની પણ ખાસ સુચના આપી છે તેમ જણાવી મંત્રી મોરડીયાએ મુખ્યમંત્રી આ પ્રસંગે આભાર માન્યો હતો. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2009થી શહેરી વિકાસ વિભાગ હેઠળ વિકાસ કામો માટે રૂ.22 હજાર કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે વર્ષ 2020-21માં રૂ.2242 કરોડ, વર્ષ 2021-22માં રૂા.3083 કરોડ અને ચાલુ વર્ષના બજેટમાં શહેરોના વિકાસ માટે રૂા.3805 કરોડની માતબર રકમ ફાળવી છે.
તેમણે કહ્યું હતું કે શહેરોમાં અત્યાર સુધીમાં કુલ 5.60 લાખ ઘરોમાં વ્યક્તિગત શૌચાલય, કુલ 1374 પૈકી 1250 વોર્ડમાં ઘન કચરાનો નિકાલ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 8. 61 લાખ મંજૂર કરેલા આવાસોમાં થી 5.88 લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરી બસ પરિવહન યોજના હેઠળ બસોની 50 ટકા સબસીડી, ઇ-નગર પોર્ટલ હેઠળ 11 સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરોના વિકાસ માટે આ વર્ષે 100 ટી.પી. ના લક્ષાંક સામે અત્યાર સુધીમાં 36ને મંજૂરી આપી દેવામાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર રાજકુમાર બેનીવાલે આભાર વિધિ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાને રૂ.354.85 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ.289.66 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ.108.61 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ.86.90 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ.40.11 કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. 38.01 કરોડ, જુનાગઢ મહાનગરપાલિકાને રૂ.19.92 કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.20.44 કરોડ જ્યારે 8 સત્તામંડળો માટે રૂા.36 કરોડના ચેક ફળવાયા હતા.
આ ચેક અર્પણ સમારોહ પ્રસંગે વિવિધ મહાનગરપાલિકાના મેયરો, ઉપમેયરો, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનો મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, નાણાં વિભાગના અગ્ર સચિવ જે. પી. ગુપ્તા, હાઉસિંગ વિભાગના સચિવ રાકેશ શંકર, મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર, મહાનગરપાલિકાઓના અને નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.