માણસ પક્ષીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો, માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો પરંતુ ખેદ છેકે માણસ કેવી રીતે જીવવું તે ના શીખ્યો. આજનો માણસ વિવિધ પ્રકારના કળાઓના સ્વામી હોવા છતાં પણ અશાંત કેમ છે ? તણાવ અને માનસિક અસ્વસ્થતાનો ભોગ કેમ બની રહ્યો છે. જીવનમાં ડગલેને પગલે હતાશ-નિરાશ કેમ થઈ જાય છે ? આ બધા સવાલોના જવાબ છે માણસ પોતાના જાતને જાણી શકયો નથી એટલે જ એ જીવનને માણતા શિખ્યો નથી.
રાજકોટની સાધુ વાસવાણી હોસ્પિટલમાં ચાલતા કર્મયોગ મંદિરના ૨૨ ફેબ્રુઆરીએ ૧૨માં સ્થાપના દિન નિમિતે અરવિંદભાઈ મણીયાર હોલમાં વર્ષભરની સાધકોની કામગીરીને આધારે મુલવવામાં આવેલ પરિણામોના ઉપલક્ષે એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુષ્યંતસિંહ જાડેજાને યોગ શ્રી એવોર્ડ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ પ્રતિયોગીતામાં યોગ મૂલ્યાંકન ૨૦૧૭માં શ્રીમતી અર્ચના સિન્હા, કર્મયોગ જ્ઞાન પ્રતિયોગીતામાં વિષ્ણુ પંડયા આત્મ વિશ્ર્વાસ પ્રતિયોગીતામાં શ્રીમતી ગીતા બાલચંદાની, સ્વયં સુધાર પ્રતિયોગીતામાં શ્રીમતી નિર્વિશા ધનેશા, વાદ-વિવાદ પ્રતિયોગીમાં શ્રીમતી ગીતા બાલચંદાની, હાસ્ય પ્રતિયોગીતામાં ૧૨ વર્ષની કુમારી હેમાદ્રી જોષી, આધ્યાત્મિક જ્ઞાન પ્રતિયોગીતામાં લોકનાથ મિશ્રા વિજેતાઓ જાહેર થયા હતા.
સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી ડો.રાજીવ મિશ્રા કે જે કર્મયોગ મંદિરના પ્રણેતા-સ્થાપક છે. તેમજ ગીતાબેન બાલ ચંદાણી કે જેઓ કર્મયોગ મંદિરના આધાર સ્તંભ સમાન કર્મયોગી સાધક છે. તેઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં હાલના સમયમાં કર્મયોગનું મહત્વ તેની જ‚રીયાત અને કર્મયોગના સિદ્ધાંતની માહિતી આપી હતી. કર્મયોગ જ્ઞાન દ્વારા યુગ નિર્માણથી યુગ ક્રાંતિ તરફ ઝડપથી આગળ વધતુ રાજકોટનું કર્મયોગ મંદિર આખા વિશ્ર્વમાં એક માત્ર એવી સંસ્થા છે જે કર્મયોગને પ્રેકટીકલ રીતે ખુબ જ ઉંડાણથી સમજણ આપી રહ્યું છે. આપણે બદલશું-સમાજ બદલશે તો યુગ બદલશે સુત્ર સંસ્થાની કામગીરીને યોગ્ય અર્થમાં સાર્થક કરે છે.