- ખાટલે મોટી ખોટ
- સ્પોર્ટસ સંકુલમાં દરરોજ 250 થી વધુ ખેલાડીઓ રમવા આવે છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી
રાજકોટ ગેમઝોનની જીવલેણ દુઘર્ટના બાદ જામનગરમાં ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી વગરની હોટલ, રેસ્ટોરન્ટ, શાળા, કોલેજ, હોસ્પિટલ મહાપાલિકાએ ધડાધડ સીલ કરાઈ છે. જોકે ખાટલે મોટી ખોટની માફક જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલના બેડમીન્ટન કોર્ટ, ટેબલ ટેનીસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનો નથી. વેકેશન ચાલી રહ્યું હોય દિવસમાં 250 થી વધુ ખેલાડીઓ રમવા આવી રહ્યા છતાં પણ સુવિધા ઉભી કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડને પગલે રાજ્ય આખું હચમચી ગયું છે. છતાં પણ જામનગરનું તંત્ર હજુ બેફિકર છે. જામનગરના સ્પોર્ટ સંકુલ માં ફાયરના સાધનોની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવાનું વિપક્ષ દ્વારા મીડિયાના માધ્યમ થકી 20 દિવસ અગાઉ તંત્રનું ધ્યાન દોરવા છતાં તંત્ર હજુ કુંભકરણની નિંદ્રામાં સૂતું છે. દુર્ઘટનાઓની વણઝારા વચ્ચે પણ તંત્ર દ્વારા આ સ્થળે સુવિધા ઉભી કરવામાં આવી નથી. આંથી શું તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેઓ ઘાટ સર્જાઇ રહ્યો છે. હવે જો તાત્કાલિક સેફ્ટી ઊભી કરવામાં નહીં આવે તો આ સ્થળે વિપક્ષ દ્વારા સીલ મારી દેવામાં આવશે તેવી ચીમકી ઊંચારાઈ છે.ખાસ વાત તો એ છે કે જામ્યુંકો દ્વારા આવી ગંભીર બેદરકારી અંગે અધિકારીઓને હજુ પણ ધ્યાન નથી. લાંબા સમયથી ફાયર સાધનો ઉપયોગ વિહોણા થઈ ગયા હોવા છતાં તંત્રન અધિકારીઓને આ વાત ધ્યાનમાં આવી નથી. આથી તંત્રના આળસુ વહીવટને પગલે મોટી દુર્ઘટના સર્જાય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. બીજી બાજુ હાલ તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આવી વસ્તુ ધ્યાનમાં આવશે તો તાત્કાલિક તેમની સામે પગલાં ભરવામાં આવશે.
સ્પોર્ટસ સંકુલમાં સાધનો નથી તે મારા ઘ્યાને આવ્યું નથી: દેવેન્દ્રસિંહ ઝાલા (ડીએમસી)
અબતક સાથેની વાતચીતમાં કોર્પોરેશનના ડી.એમ.સી દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનના સ્પોર્ટસ સંકુલમાં ફાયર સેફટીના સાધનો નથી તેવું ઘ્યાને આવેલ નથી જો ત્યાં ફાયર સેફટીના સાધનો ઝડપથી મુકાઇ જાય તેવી સંબંધીત બ્રાન્ચને સુચના આપીશે.
તાત્કાલીક કાર્યવાહી નહીં થાય તો વિપક્ષ સ્પોટર્સ કોમ્પ્લેકસને સીલ કરશે: ધવલ નંદા
અબતક સાથેની વાતચીતમાં વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજકોટમાં અગ્નિકાંડ સર્જયો હતો. તે બાદ જામનગર મનપા દોડતું થયું છે. પરંતુ કોર્પોરેશનના સ્પોર્ટસ સંકુલમાં દૈનિક ર00 થી 250 લોકો રમવા આવતા હોય છે પરંતુ ત્યાં ફાયર એકસટીંગમીશર (ફાયરનો બાટલો) ત એકસપાયર થઇ ગયેલ છે. મે મીડીયા માઘ્યમથી તંત્રને જણાવેલ પરંતુ આજદિન સુધી કોઇપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જો તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવામાં નહી આવે તો વિપક્ષ દ્વારા કોર્પોરેશનના સ્પોર્ટસ કોમ્પલેકસને સી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.