પાડાના વાંકે પખાલીને ડામ
૫૮૦૦૦ ઇમારતોમાં ફાયર સેફટીના લાઇસન્સ નથી: ફાયર બ્રિગેડના અપૂરતા સ્ટાફે આગ લગાડી!!
રાજ્યમાં ૫૮૦૦૦ જેટલી ઇમારતોના ફાયર સેફટીના લાયસન્સ જ ન હોવાનું નોંધાયું છે. જો કે આની પાછળ ફાયર બ્રિગેડની ખામીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. અપૂરતા સ્ટાફે જ આગ લગાડી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય.હાલ તો સ્ટાફની અછતના પગલે બિલ્ડરો ઉપર કોરડો વીંઝાઈ રહ્યો છે.
ગુજરાતમાં જ્યારે પણ હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આગ લાગે ત્યારે તંત્ર સફાળુ જાગે છે અને ફાયર એનઓસી સહિતની કામગીરી શરૂ કરે છે. દરમિયાન રાજ્યમાં અત્યારે ૫૮૦૦૦ જેટલી બહુમાળી ઈમારતોમાં ફાયર એનઓસી કે કમ્પલીશન સર્ટીફીકેટ નહીં હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટમાં થયેલી એક અરજીની સુનાવણીમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના અંગે હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી. જેમાં રાજયનાં શહેરી વિકાસ વિભાગનાં નાયબ સચીવ આર.એચ.વસાવાએ સોગંદનામુ રજૂ કર્યું હતું. આ એફિડેવીટ અનુસાર રાજ્યમાં ૫૮૦૦૦ બીલ્ડીંગોમાં ફાયર એનઓસી નથી. ૩૬૨૭૪ બિલ્ડીંગો કમ્પલીશન સર્ટીફીકેટ ધરાવતા નથી તેમાંથી ૨૫૯૧૦ ઈમારતો, કોર્પોરેશન વિસ્તારોમાં છે. અમદાવાદમાં ૧૪૮૯, સુરતમાં ૨૩૩૫, વડોદરામાં ૧૦૦૯, તથા રાજકોટમાં ૧૬૪૦ ઈમારતો કમ્પલીશન મેળવ્યા વિના જ ઉભી કરાયેલી છે.
હાઈકોર્ટમાં થયેલી અરજીમાં ફાયર સેફટી કાયદાનો કડક અમલ કરાવવાની માંગ કરવામાં આવી હતી. રાજયમાં નવા દાખલ કરાયેલા ફાયર સેફટી કાયદામાં સુધારા કરવા સરકાર તરફથી તૈયારી બનાવવામાં આવી હતી. હાઈકોર્ટે ફાયર સેફટી નિયમોનું હોસ્પીટલોમાં કડકાઈથી પાલન કરાવવા તથા કોવિડ હોસ્પીટલોનાં આઈસીયુ માટે માર્ગદર્શિકા જારી કરવાની પણ સુચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની એક ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત થયાં હતા. ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ ફાયર સેફ્ટીને લઈને નોટિસો ફટકારવામાં આવી હતી. તંત્રએ આડેધડ નોટિસો ફટકારવાનું શરૂ કર્યું પણ ક્યારેય એ જોવાની તસ્દી ન લીધી કે લાયસન્સ કઢાવવામાં બિલ્ડરોને શુ હાલાકી પડી રહી છે. વ્યવસ્થામાં શુ ખામી છે. આ કઈ પણ જોયા વગર જ લાયસન્સ કઢાવવા પડાપડી થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.
યોગ્ય ઉમેદવાર મળતા નથી, લાયકાત ઘટાડવા વિચારણા
અગ્નિ મન દળમાં ભરતી કરવા માટે ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી તંત્ર દ્વારા પ્રયાસો શરૂ છે.પણ ચાર માસ થવા છતા લાયકાતવાળા યોગ્ય ઉમેદવાર મળતા ન હોય જગ્યા ભરી શકાઈ નથી. પૂરતા ઉમેદવારો મળ્યા ન હોવાથી લાયકાત ઘટાડવા પણ સરકાર વિચારી રહી છે. રાજયમાં ફાયર બ્રિગેડ વિભાગમાં અંદાજે ૩૭ ટકા જગ્યાઓ ખાલી છે. શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ આર.એચ. વસાવાએ હાઈકોર્ટમા કરેલા સોગંદનામામાં જણાવ્યું હતુ કે ફાયર
અને ઈમરજન્સી સતાતંત્રના જણાવ્યા પ્રમાણે યોગ્ય લાયકાત વાળા ઉમેદવારો પૂરતી સંખ્યામાં મળતા નથી. પૂરતી અને યોગ્ય લાયકાત વાળા ઉમેદવારો મળતા ન હોવાથી લાયકાતનું સ્તર ઘટાડવા પણ વિચારાઈ રહ્યું છે.
નગરપાલિકા વિસ્તારમાં લાયસન્સ મેળવવા કોઇ વ્યવસ્થા જ નહીં
રાજકોટ બિલ્ડર એસો.ના પ્રેસિડેન્ટ પરેશ ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જ્યાં મહાપાલિકા છે ત્યાં હજુ લાયસન્સની વ્યવસ્થા મહદ અંશે છે. પણ નગરપાલિકા વિસ્તારમાં અપૂરતી વ્યવસ્થા છે. તંત્ર દ્વારા લાયસન્સ ન ધરાવતી ઇમારતોના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તે મારા મતે નગરપાલિકા વિસ્તારના છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે અમુક નિયમો જીડીસીઆરમાં લાગુ પડતા હોય તે ફાયરમાં ન પડતા હોય માટે પહેલાં આ ગડમથલ દૂર કરવાની જરૂર જણાય રહી છે.