શાખાઓમાં યોગ્ય સંકલન ન હોવાના કારણે અનેક પ્રોજેકટ પર પડી રહી છે અસર: દર પખવાડિયે અમિત અરોરા 40 બ્રાન્ચ વચ્ચે સંકલન બેઠક યોજશે
અલગ અલગ બે સરકારી વિભાગોમાં સંકલનનો અભાવ હોવાની વાત તો જગજાહેર છે પરંતુ એક જ બિલ્ડીંગમાં બેસતી મહાપાલિકાની અલગ અલગ શાખાઓમાં સંકલનનો અભાવ હોવાના કારણે અનેક પ્રોજેકટ પર તેની અસર પડી રહી હોવાની વાત ધ્યાને આવતા નયનિયુક્ત મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ હવે દર બીજા મંગળવારે સંકલન બેઠક યોજવાનો નિર્ણય લીધો છે.
આ અંગે પત્રકારો સાથે વધુ વાતચીત કરતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની બે શાખાઓ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાના કારણે કેટલાંક પ્રોજેકટો પર અસર પડી રહી છે. હાઉસીંગના પ્રોજેકટમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટે બે શાખાઓએ એકબીજા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે. જેના કારણે પ્રોજેકટ પર અસર પડે છે. બાજુમાં જ એક જ બિલ્ડીંગમાં બે શાખાઓ બેસતી હોય છે અને શાખા અધિકારીની ચેમ્બર પણ બાજુ બાજુમાં હોવા છતાં પત્ર વ્યવહારની પળોજણ કરવી પડે છે.
આ ઉપરાંત અમુક પ્રોજેકટ માટે જમીન ફાળવણીનો પણ ઈસ્યુ ઉભો થાય છે તે દૂર કરવા માટે હવે જે રીતે દર મંગળવારે તમામ શાખાઓના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજવામાં આવે છે. બસ એ જ રીતે દર પખવાડિયે મંગળવારે તમામ શાખાઓના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવશે અને પત્ર વ્યવહાર બંધ કરી યોગ્ય સંકલન સાથે પ્રોજેકટ આગળ ધપાવવા તાકીદ કરવામાં આવશે.
કોર્પોરેશનની 35 એલઈડી સ્ક્રીન પર જોવા મળશે ખાનગી કંપનીની જાહેરાતો
શહેરીજનોને કોર્પોરેશનને લગતી તમામ વિગતોની જાણકારી મળી રહે અને સરકારી યોજનાઓ અંગે પણ તેઓ માહિતગાર થાય તે માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ મુખ્ય રાજમાર્ગો પર 35 એલઈડી સ્ક્રીન મુકવામાં આવી છે. આવક વધારવા માટે હવે આ એલઈડી સ્ક્રીન પર સરકારી જાહેરાતો સાથે ખાનગી કંપનીઓની જાહેરાતો પણ પ્રસિધ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોન્ટ્રાકટ આપવા આગામી દિવસોમાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. જેમાં સતત 20 મીનીટ સુધી ખાનગી કંપનીની જાહેરાત પ્રદર્શીત કરવામાં આવશે. ત્યારબાદ 10 મીનીટ કોર્પોરેટન કે સરકારી જાહેરાત પ્રસિધ્ધ કરાશે. આ નવા અભિગમથી કોર્પોરેશનને વાર્ષિક 1 કરોડની આવક થવાનો અંદાજ છે. ઓપરેશન અને મેન્ટેનન્સ મહાપાલિકા દ્વારા સંભાળવામાં આવશે. 2 દિવસમાં ટેન્ડર પ્રસિધ્ધ કરી ખાનગી એડ એજન્સીઓ પાસેથી ભાવ મંગાવવામાં આવશે. સૌથી ઉંચી બોલી બોલનારને કોન્ટ્રાકટ અપાશે.