વિક્રમસિંહ જાડેજા, ચોટીલા:
રાજ્યમાં અંદાજે દોઢ વર્ષના સમયગાળા બાદ શાળાઓ ફરી બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે અને સૌથી લાંબા વેકેશનનો અંત આવી ગયો છે. ગત 21મી તારીખથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થઈ ગયા છે. લાંબા સમય બાદ નાના ભૂલકાઓએ ભારે ઉત્સાહ સાથે શાળાના પગથિયાં ચડી શિક્ષણ મેળવ્યું છે. જો કે ઘણી શાળાઓમાં વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી શાળાના વિધાર્થીઓ આચાર્યની કેબિનમાં બેસી ભણવા મજબૂર બન્યા છે.
ચોટીલા સહિત પીપળીયા, રાજપરા સહિત અનેક ગામડાઓમાં સરકારી શાળાઓમાં રૂમોની અછત ઉદભવી છે ત્યારે ચોટીલા શહેરની શાળામાં આચાર્યની ઓફિસમાં બાળકો અભ્યાસ કરતા હોવાનું ધ્યાને આવ્યું છે. ચોટીલા સહિત અનેક ગ્રામ્યવિસ્તારોમાં શાળાના રૂમોની અછત હોવાથી બાળકોને ન છૂટકે સવાર અને સાંજ એમ બે પાડીમાં અભ્યાસ કરવા માટે મજબૂર બનવું પડ્યું છે.
શાળા નંબર 8માં 187 જેટલા બાળકો ધોરણ 1થી 8 સુધી અભ્યાસ કરે છે અને શાળામાં હાલ 4 રૂમો આવેલા છે એટલે ન છૂટકે બાળકો આચાર્યના રૂમમાં અભ્યાસ કરતા હોવાનું ધ્યાને આવ્યું છે. શહેરની શાળા નંબર 7માં 350 જેટલા બાળકો છે જેની રૂમો માત્ર 5 જ છે એટલે ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારોની શાળાઓમાં સવાર અને સાંજ એમ બન્ને સમયે અભ્યાસ કરે છે. ત્યારે સ્થાનિક તંત્ર જાગી યોગ્ય વ્યવસ્થા કરાવી આપે તેવી લોકમાંગ ઉઠી છે.