રાજય સરકારે લર્નિંગ લાયસન્સ કાઢવાની તમામ સત્તાઓ આઈટીઆઈમાં આપી દીધી હોવા છતાં એક આંખવાળા અરજદારોને મેડિકલ સર્ટીફીકેટ માટે આઈટીઆઈમાંથી આરટીઓમાં ધકેલવામાં આવતા હોવાની ઉઠેલી ફરિયાદો

એક આંખમાં ખોટ હોવાના કારણે ન જોઈ શકતા પરંતુ બીજી આંખે બધુ સ્પષ્ટ જોઈ શકતા અરજદારોને લાયસન્સ આપવાનો કેન્દ્ર સરકારે બે વર્ષ પહેલા નિર્ણય કર્યો હતો જેને લઈને રાજય સરકારની વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ગત વર્ષે એક પરીપત્ર કરીને આવા અરજદારોને લર્નિંગ લાયસન્સ આપવાનો પરીપત્ર કર્યો હતો જેના પગલે રાજયની તમામ આરટીઓ કચેરીમાંથી એક આંખ ધરાવતા અરજદારોની સિવિલ હોસ્પિટલમાં ચકાસણી કરાવીને યોગ્ય અરજદારને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવે છે પરંતુ થોડા સમય પહેલા રાજય સરકાર દ્વારા લર્નિંગ લાયસન્સ કાઢી આપવાની સત્તા આઈટીઆઈને આપવામાં આવી છે. હાલમાં એક આંખવાળા લાયસન્સ ઈચ્છુક અરજદારો આઈટીઆઈમાં જાય તો તેમને દ્રષ્ટિની ચકાસણીના સર્ટીફીકેટનાં ફોરવર્ડીંગ લેટર માટે આરટીઓમાં ધકેલવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને કડક બનાવવાનો નિર્ણય કરાયો હતો જેને લઈને આરટીઓ અને ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા વાહન ચાલકોના લાયસન્સ ઉપરાંત આર.સી.બુક, પીયુસી સહિતનાં વાહનોને લગતા દસ્તાવેજોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણી દરમ્યાન મોટાભાગના વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા લાયસન્સ ન ધરાવતા વાહન ચાલકો મોટી સંખ્યામાં આરટીઓ કચેરીઓમાં ઉમટવા લાગ્યા હતા. જેના કારણે આરટીઓ કચેરીમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે લાંબી લાઈનો લાગવાથી લાંબુ વેઈટીંગ થઈ જતા રાજય સરકારે જિલ્લામાં આવેલી દરેક આઈટીઆઈઓમાં લર્નિંગ લાયસન્સ કાઢી આપવાની સતા આપી હતી. જેથી, હાલમાં નવા લર્નિંગ લાયસન્સ કાઢવાની તમામ કામગીરી આઈટીઆઈમાં કરવામાં આવે છે.

પરંતુ આઈટીઆઈમાં લર્નીંગ લાયસન્સ આપવાની કામગીરી સંભાળતા અધિકારીઓ એક આંખ ધરાવતા અરજદારોને મેડિકલ તપાસણી માટે સિવિલ હોસ્પિટલમાં લેટર સીધો જ લખી આપવાના બદલે જિલ્લાકક્ષાએ આવેલી આરટીઓ કચેરીએ મોકલે છે. જેથી જિલ્લાકક્ષાએ આવેલ અરજદારોને આરટીઓ કચેરીએ આવવુ પડે છે. આરટીઓ કચેરીમાં હવે નવા લર્નિંગ લાયસન્સ આપવાની કામગીરી થતી ન હોય તેનો સ્ટાફ આવા અરજદારોને પરત આઈટીઆઈમાં મોકલે છે. આમ બે તંત્ર વચ્ચેની સ્પષ્ટતાના અભાવે મોટાભાગના એક આંખવાળા લાયસન્સ ઈચ્છુક અરજદારોને બે કચેરીઓ વચ્ચે ધકકા ખાવા પડતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. એક તરફ સરકાર દિવ્યાંગોને દરેક ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનું વલણ ધરાવે છે ત્યારે સરકારના બે તંત્રોમાં સંકલનનાં અભાવે દિવ્યાંગો હેરાન થઈ રહ્યા હોય આ અંગે સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.