લગભગ બધી જ બ્લડ બેંકોમાં પ્રવર્તમાન સમયે રક્તની ખેંચ રહે છે: સંસ્થાઓએ રક્તદાન કેમ્પ યોજવા અપીલ
વર્ષના બારે મહિના લોહીની અછત જોવા મળી રહી છે ત્યારે પ્રવર્તમાન ચોમાસાના વાતાવરણે પણ લગભગ શહેરની બધી બ્લડ બેંકોમાં રક્તની અછત જોવા મળી રહી છે. આવા સંજોગોમાં યુવાવર્ગને રક્તદાન કરવા અનુરોધ કરાયો છે, સાથે રક્તદાન કેમ્પના આયોજન કરતી સંસ્થાઓએ રક્તદાન કેમ્પ યોજીને આ સેવા યજ્ઞમાં સાથ આપવા અપીલ કરાઇ છે.
શહેરની સિવિલ સાથે ખાનગી કે ટ્રસ્ટની બ્લડ બેંકોમાં રક્તની ખેંચ જોવા મળી રહી છે, એને કારણે રૂટિંગ સર્જરીમાં રક્તની જરૂરીયાતવાળા દર્દીને બ્લડની તાતી જરૂરિયાતમાં મુશ્કેલી પડી રહી છે. આના નિવારણ માટે સ્વૈચ્છિક રક્તદાતાઓએ નિયમિત રક્તદાન કરવા તથા શૈક્ષણિક સંસ્થા હવે શરૂ થઇ ગઇ હોવાથી કોલેજ છાત્રોએ રક્તદાન કેમ્પ યોજવા અનુરોધ કરાયો છે.
‘અબતક’ સાથેની વાતચીતમાં શહેરનાં લાઇફ બ્લડ સેન્ટરનાં મેડીકલ ડાયરેક્ટર ડો.સંજીવ નંદાણી અને ડેપ્યૂટી ડાયરેક્ટર ડો.સ્પૃહા ધોળકીયા તથા એડમીન ડો.નિશીથ વાછાણીએ જણાવ્યું કે અત્યારે લગભગ બધા જ ગૃપોની ખેંચ રહેતી હોવાથી યુવાવર્ગે રક્તદાન કરવા અનુરોધ કરાયો છે.
ડો.સંજીવ નંદાણીએ જણાવે છે કે છેલ્લા એક વીકથી રક્તની ખેંચ જોવા મળી રહી છે ત્યારે રૂટીંગ સર્જરીમાં તો જરૂરિયાત એટલી જ હોવાથી રક્તદાન કેમ્પ કરવા અનુરોધ કરાયો હતો. જનરલી વીન્ટરમાં પ્લાન સર્જરી વધુ થતી હોવાથી હવે દિવાળી ઉપર સર્જરી વધતા રક્ત ખેંચ અત્યારે છે, તેના કરતા વધુ તીવ્ર બને છે. હાલ શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્ર ચાલુ થઇ ગયા હોવાથી કોલેજ કક્ષાએ રક્તદાન કેમ્પ યોજવા વધુમાં જણાવેલ હતું.રાજકોટની વિવિધ એન.જી.ઓ. એ પણ રક્તદાન કેમ્પના આયોજન કરવા તથા સ્વૈચ્છિક રક્તદાતાઓએ નિયમિત રક્તદાન કરવા અપીલ કરાય છે.