6 નંબરના પ્લેટફોર્મ પર પીવાનું પાણી, કવર શેડ, કોચ ઇન્ડીકેટર, પાથ વે તથા મુસાફરોને બેસવા માટેની બેન્ચ જ નથી: પેસેન્જરો તડકે ઉભા રહેવા મજબૂર
6 નંબરના પ્લેટફોર્મ પર ગુડ્સ ટ્રેન ઉભી રહે પરંતુ માલ-સામાનને ટ્રેન સુધી પહોંચાડવાની વ્યવસ્થા નથી, કેવી રીતે ટ્રેન સુધી માલ પહોંચાડવો?: ઉદ્યોગકારોને સતાવતો મોટો પ્રશ્ન
રેલવેમાં મુસાફરી કરનારા યાત્રીઓની સંખ્યા અન્ય પરિવહનના માધ્યમથી અનેક ગણી વધારે છે. રેલવે મુસાફરોને સારામાં સારી સર્વિસ આપવા માટે જાણીતું છે. રાજકોટ ઉદ્યોગો માટે જાણીતું છે. રેલવે મારફતે ગુડ ટ્રેન (માલવાહક ટ્રેન)માં હજારો ટન માલ સામાનની ઉદ્યોગકારો દ્વારા હેરફેર કરવામાં આવતી હોય છે ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે 6 નંબરનું પ્લેટફોર્મ આજથી શરૂ થઇ ગયું છે. પરંતુ આ નવા 6 નંબરના પ્લેટફોર્મમાં મુસાફરો માટેની કોઇપણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી. 6 નંબરના પ્લેટફોર્મ પર કોચ ઇન્ડીકેટર, પાથ વે, કવર શેડ ઉપલબ્ધ નથી.
પેસેન્જરો ટ્રેનની રાહ જોતા હોય તો તેમને બેસવા માટે બેન્ચો નથી. પીવાના પાણીની પણ 6 નંબરના નવા પ્લેટફોર્મ પર સુવિધા નથી. કંઇ ટ્રેન ક્યારે કેટલા વાગ્યે આવશે. તેની માહિતી માટેના કોચ ઇન્ડીકેટરની સુવિધા નથી. માહિતી આપતા સ્પીકર 6 નંબરના નવા પ્લેટફોર્મના બંને છેડા પર સ્પીકર મૂકવામાં આવ્યાં છે.
પરંતુ વચ્ચે ક્યાંય સ્પીકરની સુવિધા નથી. તેથી મુસાફરોને રેલવે તરફથી ટ્રેન બાબતની સૂચનાઓ પણ સંભળાતી નથી. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના વધુ પડતા ભારણના કારણે 6 નંબરનું નવું પ્લેટફોર્મ બનાવવાની કામગીરી 6 મહિના પહેલા શરૂ કરી હતી. પરંતુ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોને પ્લેટફોર્મ પર જે સુવિધા મળવી જોઇએ. તે એકપણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નથી. મળતી વિગત અનુસાર 6 નંબરના નવા પ્લેટફોર્મ પર પેસેન્જર ટ્રેન સાથે માલવાહન ટ્રેનો પર આવે છે. રાજકોટમાંથી ઉદ્યોગકારો પોતાનો માલ-સામાન ટ્રેન મારફતે મોકલતા હોય છે. પરંતુ નવા બનાવેલ 6 નંબરના પ્લેટફોર્મ પર હજાર ટન માલ સામાનને ટ્રેન સુધી પહોંચાડવા માટે વાહન જઇ શકે તેવી પણ સગવડતા નથી તો માલ-સામાનને ટ્રેન સુધી પહોંચતો કેવી રીતે કરવો તે પણ ઉદ્યોગકારોને પ્રશ્ર્ન સતાવી રહ્યો છે.
પ્લેટફોર્મ પર પૂરતી સુવિધા જ નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી: યાત્રીક
‘અબતક’ સાથેની વાતચિતમાં યાત્રીકે જણાવ્યું હતું કે સ્ટેશન પર 6 અને 7 નંબરના પ્લેટફોર્મની સુવિધા તો ઉભી કરાઇ પરંતુ તે સાવ પાયાવિહોણી… મારી ટ્રેન 6 નંબરના પ્લેટફોર્મ પર આવવાની હતી પરંતુ હું 1-નંબરના પ્લેટફોર્મ પર ઉભો હતો. જ્યારે અનાઉન્સ થયું ત્યારે મને ખબર પડી કે મારે 6-નંબરના પ્લેટફોર્મ પર જવાનું છે. પરંતુ ગણતરીની પાંચ મીનીટમાં ટ્રેન ઉપડી જવાની હોવાથી મારે કેવી રીતે એ પ્લેટફોર્મ પર પહોંચવું તે મોટો પ્રશ્ર્ન છે. 1-નંબરના પ્લેટફોર્મ પરથી 6-નંબરના પ્લેટફોર્મ સુધી જવાની કોઇ વિશેષ સુવિધા ઉભી કરાઇ નથી. એકપણ પ્રકારની સ્ક્રીન લગાવાઇ નથી. જેથી ખબર પડે કે ટ્રેન કે મારી બોગી ક્યાં આવશે ત્યારે રેલવે વિભાગ દ્વારા આ બાબતની ગંભીરતા લઇ ઝડપથી યોગ્ય પ્લેટફોર્મની અને પ્લેટફોર્મ પર યાત્રીકોને પૂરતી સુવિધા મળી રહે તે જરૂરી છે. પ્લેટફોર્મ પર પીવાના પાણીની પણ સગવડતા નથી.
બે દિવસમાં વ્યવસ્થા નહીં થાય તો માલ લોડીંગની કામગીરી અટકાવી દેવાશે: રવિભાઇ જોશી
‘અબતક’ સાથેની વાતચિતમાં રવિભાઇ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી 6 અને 7 પ્લેટફોર્મ શરૂ કરાતા માલના લોડીંગ અને અનલોડીંગમાં ઘણા પ્રશ્ર્નો ઉદ્ભવીત થઇ રહ્યાં છે. કોઇ યોગ્ય વ્યવસ્થા કે પ્લેટફોર્મ સુધી પહોંચવાની વ્યવસ્થા આપવામાં આવી ન હોવાથી મજૂરો પણ કામ છોડી ચાલ્યાં ગયા છે. જો આવનારા બે થી ત્રણ દિવસમાં યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે તો માલ લોડીંગની કામગીરી અટકાવી દેવામાં આવશે. કારણ કે પ્રતિ દિવસ રેલવે મારફતે 6 હજારથી 6 લાખ રૂપિયાની આવક થાય છે. જે શૂન્ય થઇ જશે. અમારે માલને ટ્રેન સુધી પહોંચાડવો કેવી રીતે તે પણ પ્રશ્ર્ન છે. અમને જે પોઇન્ટ આપેલ છે તે ખૂબ જ દૂર છે. ત્યાં સુધી માલને કેવી રીતે પહોંચાડવો તે મોટો પ્રશ્ર્ન છે.