આધારકાર્ડની ૧૫ કીટમાંથી હાલ માત્ર ૮ કીટ જ કાર્યરત: કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં વારો ન આવતો હોવાની ફરિયાદો
બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને વધુ હાલાકી
રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી રવિવારના રોજ આયુષ્માન ભારત અને માં વાત્સલ્ય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાભાર્થી પાસે ફરજીયાત આધારકાર્ડ હોવું જરૂરી છે જેના કારણે હાલ છેલ્લા ચારેક દિવસથી ત્રણેય ઝોન કચેરીના સિવિક સેન્ટરોમાં આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા અરજદારોની લાંબી લાઈનો લાગી છે. સ્ટાફના અભાવે ૧૫ કિટો પૈકી હાલ માત્ર ૮ કિટ જ કાર્યરત છે જેના કારણે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં લોકોનો વારો આવતો નથી. ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોએ સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહાપાલિકા દ્વારા હાલ ત્રણેય ઝોન કચેરી ખાતે સિવિક સેન્ટરોમાં આધારકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે. લગ્નગાળાની સીઝન બાદ આધારમાં સુધારો-વધારો કરવા અને આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ માટે આધારકાર્ડ ફરજીયાત હોવાના કારણે છેલ્લા ચારેક દિવસથી લોકોનો ધસારો સારો એવો રહે છે.
ઝોન દીઠ દૈનિક સરેરાશ ૨૦૦ થી વધુ લોકો આધારકાર્ડમાં સુધારો-વધારો કરાવવા માટે આવે છે. મહાપાલિકા દ્વારા માત્ર ૫૦-૫૦ વ્યકિતઓને ટોકન આપવામાં આવે છે અને ટોકન રોજેરોજ વિતરણ કરવામાં આવે છે. જેના કારણે લોકોને કોઈ ફિકસ ટાઈમ આપવામાં આવતો નથી જેથી આધારકાર્ડમાં સુધારો-વધારો કરવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.
આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આધારની ૩ કિટ પૈકી સવારે માત્ર ૧ જ કિટ કાર્યરત હોવાના કારણે અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. કોર્પોરેશનના અમુક અધિકારીઓ પોતાના લાગતા વળગતાના વારા પહેલા લઈ લેતા હોવાની ઘટના પણ સામે આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ આધારની ૩ કિટ રોજ કાર્યરત હોય છે પરંતુ એક ઓપરેટરના લગ્ન હોવાના કારણે આજે માત્ર ૨ કિટ જ કાર્યરત હતી. જોકે સ્થળ પર માત્ર ૧ કિટથી જ કામ ચલાવવામાં આવતું હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. આધારકાર્ડમાં સુધારા-વધારા માટે લોકો છેલ્લા ઘણા સમયથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે છતાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીની માફક કામ કરતું મહાપાલિકાનું તંત્ર લોકોની પરેશાની હલ કરવાના બદલે નવા-નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં જ મશગુલ બની ગયું છે.