અલગ અલગ કંપનીઓની રસીની અસરકારકતા મુદ્દે અસમાનતાથી અસમંજસ

કોરોના વાયરસને રોકવા માટે વિશ્વ આખું લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો નું પાલન કરી રહ્યું છે. જ્યાં જ્યાં કેસ વધુ છે ત્યાં ત્યાં વધુ સતર્કતા દાખવવામાં આવે છે. મહામારી સામે લડવા માટે વર્તમાન સમયે કોઈ અકસીર ઇલાજ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત વૈશ્વિક કંપનીઓ રસી શોધવા માટે આકાશપાતાળ એક કરી રહી છે, જોકે સામાન્ય રીતે રસી શોધવામાં ત્રણથી સાડા ત્રણ વર્ષ જેટલો લાંબો સમયગાળો લાગે છે અને કોરોના મહામારી ફાટી નીકળી તેને હજુ એક વર્ષ જેટલો સમય પણ થયો નથી જેથી જો બજારમાં રસી ઉપલબ્ધ રહેશે તો પણ તેની વિશ્વસનીયતા ઉપર તો સવાલો ઉઠશે જ. તાજેતરમાં જ ઓક્સફર્ડ દ્વારા શોધવામાં આવેલી રસીની અસરકારકતા મુદ્દે પણ અસમંજસ જોવા મળી હતી.

અત્યારે ઓક્સફર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીની અસરકારકતા ૭૦ ટકા જેટલી હોવાનું સામે આવ્યું છે. પરંતુ થોડા સમય પહેલા શોધવામાં આવેલી બે અલગ અલગ રસીઓ અનુક્રમે ૯૩ અને ૯૫ ટકા જેટલી અસરકારક હોવાનું જાણવા મળે છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરેલી રસીના ડોઝમાં પણ અસમાનતા જોવા મળે છે. અલગ અલગ ડોઝ મુજબ સફળતા ૬૨ ટકાથી ૯૦ ટકા વચ્ચે રહી છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે પરીક્ષણ કર્યા વગર ઉતાવળે રસી આપવાની વૃતિ દર્દી માટે લાંબા સમયે નુકસાનકારક રહી શકે છે. પરિણામે કોરોનાની રસી મુદ્દે અત્યારે ૧૦૦% વિશ્વસનીયતાનો અભાવ જોવા મળી રહ્યો છે.

ર્ક્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં લગ્ન સમારંભો ઉપર ‘કાતર’ ફેરવાશે

કોરોના વાયરસ ની મહામારીની તીવ્રતા ઘટાડવા માટે દેશભરમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન કોરોના કેસની સંખ્યા એકંદરે ઘટી જવા પામી હતી. અલબત ફરી કોરોનાએ માથું ઉચકતા સરકારને મહાનગરોમાં કરફયૂ લાદવાની મજબૂરી ઊભી થઈ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે લગ્ન સમારંભો અને જમાવડા મુદ્દે ગુજરાત સરકારને બે દિવસમાં રિપોર્ટ આપવાનું કહ્યા બાદ હવે કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં લગ્ન સમારંભ ઉપર કાતર ફરી જશે. રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં રાત્રે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી લગ્ન પ્રસંગ કે જાહેર જમાવડા ને મંજૂરી આપવામાં આવશે નહીં.

કોરોનાગ્રસ્તો માટે દરવાજા બંધ કરતું મહારાષ્ટ્ર!!!

હવે દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ગોવા સહિતના રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા મુસાફરોનો ટેસ્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ મળશે. મહારાષ્ટ્ર સરકારના નિયમ મુજબ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ માટે મહારાષ્ટ્રના દરવાજા બંધ રહેશે. હવાઈયાત્રા કે રેલ્વેયાત્રા કરનારા મુસાફરોને તેમની ફ્લાઇટ અથવા ટ્રેનના ઉપડવાના ૭૨ કલાક પહેલા જ રીપોર્ટ કરવાનો રહેશે. આ ઊપરાંત મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા બાદ પણ ૯૬ કલાકની અંદર ટેસ્ટ કરવાનો રહેશે. એકંદરે મહારાષ્ટ્રમાં પ્રવેશતા પહેલા મુસાફરનો આરટી- પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી છે. જે મુસાફરોએ કોવિડ ટેસ્ટ નહીં કરાવ્યો હોય અને તેને મહારાષ્ટ્રમાં પ્રવેશ બાદ ટેસ્ટ પોઝિટિવ આવશે તો કોઈ ટોપ ગેર માં મોકલી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.