૪ દિવસ સુધી હરાજી ઠપ્પ રહ્યા બાદ વેપારીઓ અને મજૂરો વચ્ચે સમાધાન : આવતી સિઝનથી કપાસની મજૂરી ઉપર ૧૦ ટકાનો વધારો આપવા વેપારીઓની સહમતી
બેડી માર્કેટિંગ યાર્ડમાં કપાસની મજૂરીના દરમાં ૧૦ ટકા વધારો કરવામાં આવતા વેપારીઓ દ્વારા છેલ્લા ચાર દિવસથી હરરાજી બંધ કરવા આવી હતી. જેને લઇ આજે માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ વેપારીઓ અને મજૂરો વચ્ચે મહત્વપૂર્ણ મિટિંગ કરી સમાધાન કરાવ્યું હતું. જેમાં વેપારીઓએ આવતી સિઝનથી કપાસની મજુરીમાં ૧૦ ટકાનો વધારો આપવાની સહમતી દર્શાવી છે. બેઠક બાદ આજથી કપાસની હરાજી ફરી શરૂ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
છેલ્લા ચાર દિવસથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસની હરાજી સીઝન સમયે જ બંધ કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા.
મજૂરીના દરમાં ૧૦% વધારો કરવામાં આવતા કપાસના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ચાર દિવસથી વેપારીઓએ હરાજી બંધ રાખી હતી. જોકે આજે યાર્ડના સત્તાધીશોએ મજૂરો અને વેપારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ મજૂરો અને વેપારીઓ સાથે બેઠક કર્યા બાદ એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાના કારણે આવતા વર્ષથી ૧૦ ટકા વધારો કરવામાં આવશે.
જો કે યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન અને સેક્રેટરી સાથે મજૂરો અને વેપારીઓએ બેઠક કર્યા બાદ બંને પક્ષો માની ગયા હતા. આજથી ફરીથી હરાજી શરૂ કરવામાં આવી છે. આજે બપોર બાદ કપાસની આવકો માર્કેટિંગ યાર્ડમાં શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રના બીજા નંબરના માર્કેટિંગ યાર્ડમાં સીઝન સમયે જ કપાસની હરાજી ચાર દિવસ બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા.
એક તરફ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો આતંક આ વર્ષે જોવા મળ્યો છે. જેના કારણે ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. ત્યારે બીજી તરફ આ રીતે યાર્ડમાં હડતાળ પાડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જો કે સત્તાધીશો , મજૂરો અને વેપારીઓ વચ્ચે થયેલ બેઠકમાં સુખદ અંત આવતા આજથી ફરી હરાજી શરૂ કરવા નિર્ણય લેવાતા ખેડૂતોને મોટી રાહત મળી છે.