- નાણાકીય વર્ષ 2024માં બમ્પર ઉત્પાદન સામે માંગ ઢીલી પડતા નિકાસમાં 18.2% તો ભાવમાં પણ 45%નો ઘટાડો
- ડાયમંડ ફોર એવર!: નકલી એ નકલી જ!
નકલી એ તો નકલી જ છે. આ કહેવત લેબમાં તૈયાર થતા ડાયમંડ માટે સાચી ઠરી છે. કારણકે લેબમાં બનેલા ડાયમંડનું બમ્પર ઉત્પાદન થઈ જતા તેના ભાવમાં જબરદસ્ત કડાકો બોલ્યો છે.
વૈશ્વિક બજારોમાં વધારાના ઉત્પાદનને કારણે નાણાકીય વર્ષ 2024 માં ભારતીય લેબોરેટરી ઉગાડવામાં આવતા હીરાના ભાવમાં 45%નો ઘટાડો થયો છે. લેબમાં ઉગાડવામાં આવેલા હીરાનું વૈશ્વિક ઉત્પાદન નાણાકીય વર્ષ 2024માં 40 મિલિયન કેરેટ હતું, જે નાણાકીય વર્ષ 2023ના ઉત્પાદન કરતાં લગભગ 33% વધુ હતું.
ભારતીય લેબમાં તૈયાર થયેલા ડાયમંડની નિકાસમાં ગત વર્ષની સરખામણીમાં મૂલ્યની દ્રષ્ટિએ 18.2% જેટલો ઘટાડો થયો હતો કારણ કે તેની કિંમતોમાં ઘટાડો થયો હતો, પરંતુ સોનાના વધતા ભાવ સાથે સ્થાનિક માંગ
વધી રહી છે, જેના કારણે ગ્રાહક જ્વેલરીના એકંદર ખર્ચને ઘટાડવા માટે લેબમાં તૈયાર થતા ડાયમંડ તરફ વળ્યા છે. નાણાકીય વર્ષ 2024માં ભારતે 16 મિલિયન કેરેટ ડાયમંડનું ઉત્પાદન કર્યું હતું.
વેપારી સૂત્રો કહે છે કે ભારતમાં હવે 6,000 ડાયમંડ રિએક્ટર છે. તેના ઉત્પાદનમાં રોકાયેલી કંપનીઓની સંખ્યા વધી રહી છે અને રિએક્ટર પણ તે જ પ્રમાણમાં વધી રહ્યા છે.
ગોગ્રીન ડાયમંડ્સના સ્થાપક ટોની મહેતાએ જણાવ્યું હતું કે, ભારત અને વિદેશમાં લેબમાંથી ઉત્પાદિત થયેલા ડાયમંડની વધતી જતી માંગે મને મારા વ્યવસાયનું મોડલ બદલવાની પ્રેરણા આપી છે. ડાયમંડ માટે યુએસ, યુકે, ઑસ્ટ્રેલિયા, કેનેડા, દક્ષિણ અમેરિકા અને દૂર પૂર્વની માર્કેટમાં અનેક તક છે. ભારત તુલનાત્મક રીતે નવું બજાર છે, પરંતુ તે પણ ઝડપથી વધી રહ્યું છે.સારી ગુણવત્તાના કુદરતી હીરાના એક કેરેટની કિંમત 4-4.5 લાખ રૂપિયા છે, જ્યારે સમાન ગુણવત્તાના લેબ ડાયમંડની કિંમત માત્ર 35,000 રૂપિયા છે.