આજના ઘણાં નેતાઓને નેતૃત્વના પાઠ શિખવનાર લાભુભાઇ લાભના પદથી હંમેશા દૂર રહ્યાં’
‘ભારતીય બંધારણે શિક્ષણને ખૂબ મહત્વતા આપી છે અને દરેક લોકોને પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષણ વિનામૂલ્યે મળી રહે તેવી બંધારણમાં જોગવાઇ કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઇને લાભુભાઇએ પોતાના સમગ્ર જીવન દરમિયાન ચરિતાર્થ કરવા માટે સનિષ્ઠ પ્રયત્ન કર્યો હતો.’ આ શબ્દો છે પરસોતમભાઇ પીપળીયાના કે જેઓ જે.જે.કુંડલીયા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ રાજકોટ કોમર્શિયલ બેંકના ચેરમેન છે.
લાભુભાઇ ત્રિવેદીએ ગુરૂ તરીકે સર્વમાન્ય હતા. ગુરૂ તરીકેના જે તમામ ધોરણો હોવા જોઇએ એ તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન કરતા હતા. તેઓએ માત્ર શિક્ષણ વ્યવસ્થા નહોતી સ્થાપી પરંતુ તેમાં તેમણે પોતાનું પુરેપુરૂ યોગદાન આપ્યું હતું. તેઓ શિક્ષકોના, વિદ્યાર્થીઓના તેમજ વાલીઓના પ્રશ્ર્નોને, સમસ્યાઓને પુરો ન્યાય આપતા હતા. તેમના સંચાલનમાં ગુડગર્વનર હતા. લાભુભાઇ ત્રિવેદીએ બાલમંદિરથી લઇ બી.એડ. કોલેજોનું નિર્માણ કર્યુ અને એવા બાળકોને શિક્ષણ પુરૂ પાડ્યું જેઓ ગરીબ હોય અથવા તો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય. એ સમયમાં એક સીટ માટે બી.એડ. કોલેજમાં ૫-૭ લાખ રૂપિયા આપવા પડતા હતા. તેવા વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણની સુવિધા પુરી પાડી. લાભુભાઇ ત્રિવેદીએ શિક્ષણ જગતના ભેખધારી આત્મા હતા. જેઓએ અનેક સંસ્થાઓનું નિર્માણ કર્યુ અને તેમની શિક્ષણ સંસ્થાઓમાં આર્થિક કે બિનઆર્થિક લાભો મેળવ્યા વગર શિક્ષકોની ભરતી કરવામાં આવી જે એક મોટુ પરિબળ ગણી શકાય. એ સમયે ઘણી સ્કૂલ-કોલેજોમાં મોટા ડોનેશનો લેવામાં આવતા ત્યારે પણ લાભુભાઇએ કોઇ દિવસ કોઇ પાસેથી ડોનેશન લીધુ નહતું. આમ તેઓ ભ્રષ્ટાચારની સખત વિરોધી હતા. એમની આ નિષ્ઠા તેઓની સંસ્થામાં હજુ સુધી જળવાઇ રહી છે. જે અન્ય સંસ્થાઓ માટે પથદર્શકનું કામ કરી શકે છે.લાભુભાઇ ત્રિવેદીના ખાસ મિત્રોમાં જેની ગણના થતી આવી છે તેવા જેન્તીભાઇ કુંડલીયા, અશ્ર્વિનભાઇ મહેતા અને રૂદ્રદતભાઇ રાવલે સાથે મળીને સહકારી બેંકોના ક્ષેત્રમાં સભાસદો મેળવી આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
યુવાનેતાઓની ટોચની હરોળ ઉભી કરવામાં લાભુભાઇનું યોગદાન અનન્ય રહ્યું છે. તેઓના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ યુવાનો આજે અગ્રિમ પંક્તિના નેતાઓ બની ચુક્યા છે. આવા નેતાઓની રાજકીય કારકિર્દીના પાયામાં લાભુભાઇનું શ્રમયોગદાન રહ્યું છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં રહી ચૂકેલા અને હાલમાં કાર્યરત એવા ઘણા બધા નેતાઓ છે કે જે કાં તો લાભુભાઇ દ્વારા સંચાલીત થતી સ્કૂલ-કોલેજોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અથવા સીધા જ ‘ગુરૂ’ના માર્ગદર્શનથી આ સ્થાને પહોંચેલા છે.
શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નવું નેતૃત્વ નિખારવાની પ્રેરણા પૂરી પાડવાના કાર્યની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ નવો ચિલો ચિતરવામાં તેમણે આપેલું યોગદાન સમાજ ક્યારેય પણ વિશારે નહીં પાડી શકે. સમગ્ર વિશ્ર્વમાં ખ્યાતનામ એવો રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો લોકભારતી સંસ્થાના સહયોગથી શરૂ કરાવનાર લાભુભાઇ જ હતા એવુ આજની કેટલી યુવા પેઢી જાણે છે? હાલમાં રેસકોર્ષના વિશાળ મેદાનમાં દર વર્ષે આયોજિત થતા લોકમેળાની શરૂઆત શહેરના હાર્દ ગણાતા શાસ્ત્રીમેદાનમાં થઇ હતી. આજે એ મેળા દ્વારા હજારો લોકોને રોજગારીની એક તક ઉભી કરવામાં લાભુભાઇ આ રીતે પણ નિમિત બન્યા છે.
લાભુભાઇનું નામ અને કામ એ હદે પ્રસિદ્ધિ પામ્યું હતું કે, ભારતના વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ મહાનુભાવો ખાસ તેમની સંસ્થાની મુલાકાતે આવતા. જેમાં અમિતાભ બચ્ચનથી લઇને અબ્દુલ કલામ, ઇન્દીરા ગાંધી, જગદ્ગુ‚ શંકરાચાર્ય તેમજ ટેલીકોમ્યુનિકેશન ક્રાંતિના પ્રણેતા ટેકનોક્રિટ સામ પિત્રોડા જેવા વિવિધ ક્ષેત્રોની સાથે સંકળાયેલા દિગ્ગજો સામેલ રહ્યા છે.
અંતમાં પરસોતમભાઇએ ગુરૂના જીવન વિષે માહિતી આપતા તો દિવસોના દિવસો પણ ઓછા પડે તેમ જણાવીને ગુરૂની ૨૫મી પૂણ્યતિથીએ એમને ભાવભરી શ્રઘ્ધાંજલી અર્પીત કરી હતી.