પ્રથમ મુલાકાતથી સોરઠના કાર્યક્રમમાં ઉત્સાહનો સંચાર
કૃષિ યુનિ. ઓડિટોરીયમ હોલમાં સન્માન સમારંભ
સોરઠની પ્રથમ મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
સોરઠના પાટનગર જૂનાગઢના મોંઘેરા મહેમાન બનેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની જુનાગઢ મુલાકાતથી ભાજપ પરીવાર હરખ ઘેલો બન્યો છે, અને ટીમ ભાજપમાં એક નવું જોમ, જુસ્સો અને ઉલ્લાસનો સંચાર જોવા મળી રહ્યો છે.
છેલ્લા એકાદ અઠવાડિયાથી જૂનાગઢના પ્રવાસે પ્રદેશ ભાજપ પ્રમુખ આવી રહ્યા છે, તેવી જાહેરાત થતાની સાથે જ જૂનાગઢ શહેર ભાજપ તથા જિલ્લા ભાજપની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમ અને ભવ્યાતિ ભવ્ય સ્વાગત થાય તે માટેની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી, અને શહેર ભાજપ તથા જિલ્લા ભાજપ દ્વારા વિવિધ કમિટીઓની રચના કરી જૂનાગઢ ખાતે પધારતા ભાજપ અધ્યક્ષના ઉમળકાભેર સ્વાગત માં કોઈ કમી ન રહે તે માટે નાના કાર્યકરથી લઈને સમિતિના હોદેદારો અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા, ડોલર ભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતના આગેવાનો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો.
ગઈકાલથી જૂનાગઢ શહેર અને જિલ્લા ભાજપ સહિતના આગેવાનોમાં એક નવો ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, જાણે જુનાગઢ ભાજપમાં આજે એક ઉત્સવ હોય તેવો માહોલ છવાયો છે, શહેરના તમામ હોલડીગ ઉપર ભાજપના પ્રદેશ અધ્યક્ષને ભાજપના હોદેદારો, કાર્યકરો તથા મનપાના પદાધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા અને તેમના રૂટ ઉપર સુશોભન કરવામાં આવ્યું હતું, તો ક્યાંક મહિલા ભાજપ દ્વારા રંગોળીઓ બનાવાઈ હતી અને પુષ્પ વૃષ્ટિ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષનું જૂનાગઢમાં અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગત સાંજે નિર્ધારિત સમય કરતા ભાજપ અધ્યક્ષ થોડા મોડા જૂનાગઢ આવ્યા હતા પરંતુ વરસાદે વિરામ લેતા ભાજપના શહેર પ્રમુખ શશીકાંત ભીમાણી મહામંત્રી ચંદ્રેશ હેરમાં, પુનિતભાઈ શર્મા, જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ સહિતના ભાજપ અગ્રણીઓએ સી.આર. પાટીલને જૂનાગઢમાં ચોધાર હેત વરસતા ભાવે વેલકમ કર્યા હતા.
ખૂબ જ લાંબા રસાલા સાથે પધારેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ ઓડિટોરિયમ હોલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ સન્માન અને શુભેચ્છા સમારોહમાં જૂનાગઢ જિલ્લાના જુના જન સંઘી અને સદી વટાવી ચૂકેલા રતનાબાપા ને ખાસ ઉપસ્થિત રખાયા હતા અને તેમણે ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલનું ભાવભર્યું સ્વાગત કરી આશીર્વાદ પાઠવ્યા હતા. આ સિવાય જૂનાગઢ શહેરના સંતો, મહંતો, તથા સેવાકીય, સામાજિક સંસ્થાઓના હોદેદારો, શહેરના શ્રેષ્ઠીઓ અને વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા સી.આર. પાટીલનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યો હતું.
આ તકે તેમની સાથે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ભાઈ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, સહિતના પ્રદેશના અને જિલ્લાના અગ્રણીઓ સાથે રહ્યા હતા.
જુથવાદમાંથી બહાર આવો અને પક્ષ માટે જ કામ કરો
જુનાગઢ ભાજપના જૂથવાદને પ્રમુખ પાટીલની ટકોર
જૂનાગઢ ભાજપમાં છ જેટલા ગ્રુપ ચાલે છે તેની સામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ એ ટકોર કરી ગર્ભિત ચેતવણી આપી હતી કે આ ગ્રુપ મ્યુઝિયમમાંથી બહાર આવો અને કોઈની કફની પહેરો નહીં તમે ભાજપના છો અને ભાજપ સાથે રહી કામ કરો.
સમારોહ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને શીખ આપતાં જણાવ્યું હતું કે ભાજપ એ આપણી માત્રુ સંસ્થા છે અને માતૃ સંસ્થા માટે આપણે કામ કરવું જોઈએ તેમણે પેજ પ્રમુખો અને કાર્યકરોને પણ જણાવ્યું હતું કે આપણા કોઈપણ ઉમેદવાર માટે આપણે તનતોડ મહેનત કરવી જોઈએ અને એના માટે આપણે અત્યારથી જ કામે લાગી જવાનું છે.
ભાજપના અધ્યક્ષ પાટીલે જુનાગઢ ભાજપમાં ચાલી રહેલા છ ગ્રૂપ સામે ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે આ ગ્રુપમાંથી બહાર આવો કોઈ ની કફની પહેરો નહીં, માત્ર ભાજપમાં છો અને ભાજપ સાથે રહી કામ કરો, બાકી આવું ચલાવી લેવામાં આવશે નહીં તેવી ગર્ભિત ચેતવણી પણ ઉચ્ચારી દેતા હોલમાં સોપો પડી જવા પામ્યો હતો.
ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જુનાગઢ જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં તેમના ઉદબોધનમાં વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે વિગતવાર છણાવટ કરી, ઉપસ્થિત સૌને આગામી સમયમાં ભાજપા સંગઠનને વધુ મજબુત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપા રાજ્યના દરેક જ્ઞાતિ-સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકાર સર્વસમાવેશી વિકાસનીતિને અનુસરીને જનહિતના વિવિધ નિર્ણયો કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપાના કાર્યકરોએ સેવા હી સંગઠનના ભાવ સાથે કોરોનારૂપી આફતને સેવાના અવસરમાં પરિવર્તિત કરીને અનોખો સેવાયજ્ઞ કર્યો છે જેમાં, જુનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓએ પણ પોતાનું યોગદાન આપ્યું છે, તે બદલ હું સૌ કાર્યકર્તાઓને બિરદાવુ છું.