દીકરાનું ઘર વૃધ્ધાશ્રમનું બેનમુન આયોજન
હેમલભાઈ મોદી-જયશ્રીબેન મોદી યજમાન બન્યા: આનંદ અને કણ વાતાવરણ વચ્ચે પ્રસંગ સંપન્ન થયો
પોતાના માટે તો સૌ કોઈ જીવે છે પરંતુ અન્ય માટે જીવનારા કેટલા, ઘસાઈને ઉજળા થવાની પરંપરાને માનનારા કેટલા કોઈનાં આંસુનું કારણ બનવાને બદલે આંસુ કેમ આવ્યા તેવું પુછનારા અને આંસુને લૂંછનારા કેટલા કદાચ આંગળીના ટેરવે ગણાય તેટલા પરિવારો આવા હશે, એમાનો એક પરિવાર એટલે સ્વ. હરકિશનદાસ મોદી અને સ્વ. બિંદુબેન મોદી પરિવારના હેમલભાઈ મોદી અને જયશ્રીબેન મોદી શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મોઢ વણીક સમાજના અગ્રણી હેમલભાઈ મોદી તેમજ જયશ્રીબેન મોદી એ પોતાની વ્હાલસોયી બેન કલ્પનાબેન મોદીની પ્રથમ પૂણ્યતિથિએ માન્ય કોઈ પ્રસંગ ઉજવવાને બદલે સમાજને નવો રાહ ચીંધતો પ્રસંગ કરી અનુકરણીય અને ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતુ.
આગામી તા.૨૯-૩૦ ડીસેમ્બરના રોજ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ દીકરીઓના જાજરમાન લગ્નોત્સવ યોજાનાર છે. તેનો પ્રથમ પ્રસંગ એટલે લગ્ન લખવાનો પ્રસંગ આ પ્રસંગનું યજમાનપદ મોદી પરિવારે હોંશે હોંશે સ્વિકારી પોતાની વ્હાલસોયી બહેનને શ્રધ્ધાંજલી આપી હતી. માનવતા જેના લોહીમાં વહે છે. અને સેવા પરમો ધર્મ આ સુત્રને માનનારા આ મોદી પરિવારના કુળદીપક બંનેભાઈ બહેને ૨૨ દીકરીઓને પોતાની બહેન કલ્પનાબહેનની પ્રથમ પૂણ્યતિથિએ સોનાનો ચુડલો, સોનાની ચુંક, એક ડ્રેસ તેમજ શ્રૃંગારની ભેટ આપી નિરાધાર દિકરીઓના આશીર્વાદ મેળવ્યા હતા. પોતાના નિવાસસ્થાન પેન્ટાગોન ખાતે સમગ્ર પ્રસંગ યોજાયો હતો આ પ્રસંગે ઢોલ નગારા, શરણાંઈના અને લગ્નગીતોના શુર રેલાયા હતા.
રાજકોટના વિવિધ ક્ષેત્રના અસંખ્ય શ્રેષ્ઠીઓ આ પ્રસંગના સાક્ષી બન્યા હતા. શાસ્ત્રોકત વિધી અને મંત્રોચ્ચાર વચ્ચે હોંશે હોંશે લગ્ન લખાયા ત્યારે દરેક દિકરીઓની આંખમાં હર્ષનાં આંસુ હતા. આ પ્રસંગે દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ પરિવારે મોદી પરિવાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી. આપ્રસંગે મોદી પરિવાર તરફથી તમામ આમંત્રીતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે બી.એ.પી.એસ.નાં સંત શીરોમણી પુ. અપુર્વમુની સ્વામી ખાસ ઉપસ્થિત રહી મોદી પરિવારના અ કાર્યને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા અને દીકરાનું ઘર વૃધ્ધાશ્રમની સેવાની આ ઉતમ પ્રવૃત્તિને બિરદાવી હતી.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો મૌલેશભાઈ ઉકાણી, નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઈ સતાણી, શિવલાલભાઈ આદ્રોજા, જાણીતા બિલ્ડર જયરાજસિંહ જાડેજા, દિપેનભાઈ ફળદુ, પી.ટી. જાડેજા, રણજીતભાઈ દાહીમા, દિનેશભાઈ જોટવા, ધીભાઈ રોકડ, મનીષભાઈ માદેકા, ભુપતભાઈ બોદર, રામજીભાઈ સિયાણી, પ્રતાપભાઈ પટેલ, સુનીલભાઈ મહેતા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા દિકરાનું ઘર વૃધ્ધાશ્રમની સમર્પીત ટીમે જહેમત ઉઠાવી હતી.