ચાઇનાની દખલગીરી રોકવા આગામી પાંચ વર્ષમાં ઈન્ડો-પેસિફિકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહાય અને રોકાણમાં 3.75 લાખ કરોડથી વધુનું રોકાણ કરાશે
કવાડ સમિટ મંગલકારી નીવડી છે. ભારતનું અર્થતંત્ર જે રીતે વિકસિત થઇ રહ્યું છે. કવાડના સભ્ય દેશોએ તેના ઉપર ભરપૂર વિશ્વાસ મુક્યો છે. આ સમિટમાં તમામ મુદ્દાઓ ઉપર ભારતની પ્રસંશા થઈ છે.
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી જતી દખલ વચ્ચે મંગળવારે જાપાનની રાજધાની ટોકિયોમાં ક્વાડ બેઠક યોજાઈ હતી. ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસના નેતાઓની બેઠક બાદ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, ક્વાડે આગામી પાંચ વર્ષમાં ઈન્ડો-પેસિફિકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહાય અને રોકાણમાં 3.75 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. કોન્ફરન્સ પછી જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં, તેમણે કહ્યું કે અમે, ક્વાડ દેશો, દેવાની સમસ્યાઓના ઉકેલ માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરીએ છીએ.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સાથે મળીને, ક્વાડ દેશો પ્રાદેશિક અને ડિજિટલ કનેક્ટિવિટી, સ્વચ્છ ઉર્જા અને ઊર્જા સંબંધિત સુવિધાઓમાં આપત્તિ સ્થિતિસ્થાપકતા સહિતના ઓળખાયેલા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવશે. ક્વાડ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ, યુએસ પ્રમુખ જો બિડેન અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ હાજરી આપી હતી.
લોકશાહીમાં પણ તંત્ર આટલું સારું ચાલી શકે તે મોદીએ સાબિત કરી બતાવ્યું : બીડેન
જાપાનની રાજધાની ટોક્યોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારત-અમેરિકા મિત્રતા વૈશ્વિક શાંતિ માટે મહત્વપૂર્ણ છે. અમારા સામાન્ય હિતોમાં વિશ્વાસ મજબૂત થયો છે. અમારી મિત્રતા માનવ કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
અમે સમાન વિચાર ધરાવતા દેશો સાથે ઈન્ડો-પેસિફિક મુદ્દા પર સમાન મંતવ્યો શેર કરીએ છીએ, જેથી અમે અમારી ચિંતાઓ અને હિતોનું રક્ષણ કરવા માટે કામ કરી શકીએ. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું, ભારત અને અમેરિકાની ભાગીદારી ખરેખર વિશ્વાસની ભાગીદારી છે. અમારા સહિયારા હિતો અને મૂલ્યોએ બંને દેશો વચ્ચે વિશ્વાસના બંધનને મજબૂત બનાવ્યું છે. તેઓએ ઉમેર્યું હતું કે લોકશાહીમાં પણ તંત્ર આટલું સારું ચાલી શકે તે મોદીજીએ સાબિત કરી બતાવ્યું છે.
કવાડ ફેલોશીપ અંતર્ગત 100 છાત્રોને યુએસમાં ગ્રેજ્યુએશન માટે અપાશે પ્રવેશ
જાપાનમાં ક્વાડ સમિટ માટે એકત્ર થયેલા ભારત, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષોએ મંગળવારે ક્વાડ ફેલોશિપની શરૂઆત કરી. આ ફેલોશિપ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના ક્ષેત્રમાં ચારેય દેશોના ઉચ્ચ સંશોધકોને એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ કરશે.આ પ્રોજેક્ટ અંતર્ગત ચાર દેશોમાંથી 100 વિદ્યાર્થીઓને યુએસમાં ગ્રેજયુએટ ડિગ્રી માટે પ્રવેશ આપવામાં આવશે.