ઘાસ સળગાવાની ના પાડતા એક શખ્સ કુહાડા વડે તુટી પડયો
કુતિયાણા તાલુકાના ધ્રુવાળા ગામે રહેતા ભાઈ-બહેન પર શેઢા પાડોશી શખ્સે હુમલો કર્યો હતો. ઘાસ સળગાવવાની ના પાડતા બનેલી આ ઘટનામાં કુહાડા વડે હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.
ધ્રુવાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા ચંદુભાઈ મગનભાઈ ડાભીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ મંગળવારે સવારે ચંદુભાઈ અને તેમના બહેન મેનાબેન એક પડતર ખેતરમાં પશુઓ ચરાવતા હતા. તેવા સમયે તેમના શેઢા પાડોશી રામા ભુરા ઓડેદરાએ તેના ખેતરમાં સુકાઈ ગયેલું ઘાસ સળગાવ્યું હતું. ત્યારે મેનાબહેને તેને ઘાસ સળગાવવાની ના કહી હતી, કારણ કે આ આગ મેનાબેનના ખેતર સુધી પણ પહોંચવાની શક્યતા હતી.
પરંતુ રામાએ વાત સમજવાને બદલે ઉશ્કેરાઈ જઈ મેનાબહેનને ગાળો કાઢી હતી જેમાં પોતાની બહેનને બચાવવા ચંદુભાઈ ત્યાં જતા રામા ભુરાએ કુહાડા વડે તેની પર હુમલો કરી માર માર્યો હતો. ત્યારે ચંદુભાઈને સારવાર માટે કુતિયાણાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જે અંગે કુતિયાણા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..