જમીન પર રૂ.૪ લાખનું દેણુ થતા સ્યુસાઈડ નોટ લખી જીવન ટુંકાવ્યું
મારી લાશનું પોસ્ટમર્ટમ કરી તેનો રીપોર્ટ પોરબંદર જિલ્લાના ખેતીવાડી અધિકારીને આપજો તેવું લખીને કુતિયાણાના ખેડુતે પાક નિષ્ફળ જતા દેવુ વધુ ગયું હોવાથી આપઘાત કરતા ચકચાર જાગી છે. વળી, ગળાફાંસો ખાઈને જિંદગી ટુંકાવી તે પૂર્વે બે વિડીયો કલીપમાં આત્મહત્યા કરવા પાછળનું કારણ રજુ કરવા સાથે ખેડુતે સ્યુસાઈડ નોટ પણ લખી હતી.
એકબાજુ પોરબંદર પંથકમાં ખુબ જ ઓછો વરસાદ પડયો હોવાથી પાક નિષ્ફળ જઈ રહ્યો છે ત્યારે બીજીબાજુ સરકાર પાકવિમાના ક્રોપ કટીંગમાં પણ વીમા કંપનીની સાંઠગાંઠને કારણે પુરતા પ્રમાણમાં તપાસ થતી નહીં હોવાના આક્ષેપો વચ્ચે આજે કુતિયાણાના સાંઢીયા શેરી વિસ્તારમાં રહેતા અને મોબાઈલ ટાવરમાં ચોકીદાર તરીકેનો નોકરી કરતા તેમજ મહિરા ગામે ખેતીની જમીન ધરાવતા વિરમભાઈ મસરીભાઈ ઓડેદરા નામના આધેડ ખેડુતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
મૃતકે પાક નિષ્ફળ જવાને કારણે તેમજ ખેતીની જમીન પર લીધેલું રૂ.૧ લાખનું પાક ધિરાણ તથા ખાનગી રૂ.૩ લાખનું દેવું સમયસર ન ભરી શકવાને કારણે આર્થિક બોજા દબાણ હેઠળ આવી જઈને વિરમભાઈ મસરીભાઈ ઓડેદરા નામના ખેડુતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મરણ જનાર વિરમભાઈ આત્મહત્યા કરતા પહેલા બે વિડીયો કલીપ તૈયાર કરી હતી જેનો પોલીસે કબજો લઈ લીધો છે તે ઉપરાંત સ્યુસાઈડ નોટ પણ લખી છે, જેમાં પણ કેટલાક ગંભીર આક્ષેપો તંત્ર સામે કરવામાં આવ્યા છે.
આત્મહત્યા કરતા પહેલા પોલીસ સબ ઈન્સ્પેકટરને સંબોધીને સ્યુસાઈડ નોટ લખી છે. જેમાં જણાવ્યું છે કે, જય ભારત સાથ જણાવવાનું કે મારે કોઈ વ્યકિત સામે વાંધો નથી, મારા ભાઈઓ, મારા ઘર-પરીવાર, મારો દિકરો રામ અને હીરલ તથા મારી ઘરવાળી દેવતા સમાન છે. મારે એક જ તકલીફ છે મારી સાથે બેંકનું એક લાખનું દેવું છે તેનું વ્યાજ ચાલુ છે અને ૩ લાખ બીજા સગા-સંબંધીના છે તો ખેતરમાં કાંઈ આવક થાય તેમ નથી. સરકાર ખેડુત માટે કાંઈ કરતી નથી. આના કારણ મારે પગલું ભરવું પડયું છે. મારો દિકરો રામને સીતા જેવા છે, મારી ઘરવાળી, મારા ભાઈઓ મા-બાપ સમાન છે, મારા સગા-વ્હાલાને, મારા ભાઈઓને જય સીયારામ… રામ… મારી ગત ગંગાને જય સીતારામ કહેજો… મારા મોબાઈલમાં વિડીયો બનાવેલ છે તે જાણજો… મારું પોસ્ટમોર્ટમ કરાવજો અને ખેતીવાડી અધિકારીને જાણ કરજો… લી. ઓડેદરા વિરમ મસરીના રામ… રામ… રામ… સીતારામ વાંચજો. આ ગંભીર બનાવના પગલે પોરબંદર જિલ્લામાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે.