કચ્છની અનેક કલાએ આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના પ્રાપ્ત કરી છે ત્યારે 700 વર્ષથી પણ વધુ જૂની ખરડ કલાને આજે કચ્છના ગણતરીના કલાકારો સાચવીને દેશ-વિદેશના કલાના કદરદાનો સુધી પહોંચાડી રહ્યા છે. આ કલાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજય સરકાર કારીગરોને માર્કેટીંગ પ્લેટફોર્મ તથા અન્ય યોજનાકીય લાભ આપીને પ્રોત્સાહન આપી રહી છે. આ કલાને સાચવીને બેઠેલા પરિવારે આજે અનેક લોકોને આ કલા શીખવાડીને તેને જીવતદાન આપ્યું છે. મૂળ કચ્છની સરહદી વિસ્તારના કુરન ગામના અને સ્થળાંતર કરીને કુકમા ખાતે રહેતા આ પરિવારના મોભી તેજશીભાઇ ધના મારવાડા જણાવે છે કે, મને યાદ છે ત્યાં સુધી અમારી 10 પેઢીથી આ કામગીરી અમે કરી રહ્યા છીએ.
દસ પેઢીથી આજીવિકા મેળવતા અનેક પરિવારો માટે ખરડ કલા બની કામઘેનું
આ કલાના સંરક્ષણ માટે નવી પેઢીને આ કલાની તાલીમ આપતા હાલ કચ્છમાં ખારી, ખાવડા, કુરન વગેરે સ્થળે પણ ખરડકામ થઇ રહ્યું છે. કલાક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠીત ગણાતો વર્ષ 2019નો સંત કબીર એવોર્ડ,વર્ષ 2013માં ટેક્સટાઇલ ક્ષેત્રનો નેશનલ એવોર્ડ, વર્ષ 2020માં સ્ટેટ એવોર્ડ, વર્ષ 2021માં ગુજરાત ટુરીઝમનો એવોર્ડ તથા વર્ષ 2019 નેશનલ કક્ષાનો કલામણી એવોર્ડ, એક એનજીઓ પ્રાયોજીત વર્ષ 2019નો આંતરરાષ્ટ્રીય એવોર્ડ સહિત નેશનલ અને સ્ટેટ એવોર્ડ મેળવી ચુકેલા તેજશીભાઇ વધુમાં ઉમેરે છે કે, ખરડ કલાએ પારંપરિક કલા છે. જેને હાથ વણાટથી તૈયાર કરવામાં આવે છે. જેને રાજસ્થાનમાં જેરોઇ, સિંધીભાષામાં ખરાદ કહેવાય છે જેનો મતલબ મજબુત એવો થાય છે.
આ ખરડ કામમાં ઘેટા, બકરા તેમજ ઊંટના ઊનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી કાર્પેટ, ગાલીચા, વોલ હેંગીગ, આસન વગેરે જેવા ઘર સુશોભન તથા દૈનિક જીવનમાં ઉપયોગ કરી શકાય તેવા નમુના બનાવાય છે. તેઓ જણાવે છે કે, આમ તો કલાના મૂળ ખૂબ જ ઊંડા છે. જયારથી કલાનો વિકાસ થયો ત્યારથી આ કળા અસ્તિત્વમાં છે. તેઓ ઉમેરે છે કે, આ પ્રદર્શની મેળા થકી વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થતાં અનેક ઓર્ડર મળવા લાગ્યા જેથી મજૂરી કામ છોડીને તેઓ સંપૂર્ણ પણે ખરડ કલાના નમૂના બનાવવામાં લાગી ગયા. આ કલાને વ્યવસાય તરીકે અપનાવી લીધો. વર્ષ 2011માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પુરસ્કાર મળ્યો હતો. જેથી ગુજરાત કક્ષાએ પણ આ કળાને તકો પ્રાપ્ત થઇ.
વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખરડ મેળામાં ભાગ લેવાની તક સાથે દિલ્લી નજીક યોજાતા આંતરરાષ્ટ્રીય સુરજકુંડ મેળામાં ભાગ લેવાથી ખરડકામને વૈશ્વિક માર્કેટીંગ પ્લેટફોર્મ પ્રાપ્ત થયું છે. ખરડ બનાવવા માટે આજે પણ તેજશીભાઇ 1000 વર્ષ જૂની પરંપરાગત પધ્ધતિની લુમનો ઉપયોગ કરે છે.ખરડને લુમ પર બનાવ્યા બાદ તેઓ ગ્રાહકની પસંદ મુજબ ડિઝાઇન બનાવે છે.
કોઇ કાપેર્ટ પર બંને તરફ તો કોઇપર એક તરફ ડિઝાઇન કરવામાં આવે છે. ડિઝાઇન વગરનો ખરડ બનાવવામાં 10 થી 15 કલાકનો સમય લાગે છે. જયારે કોઇ વિષય આધારીત ખરડ બનાવવામાં 2 થી 3 માસનો સમય લાગી જાય છે. કિંમતની વાતની કરીએ તો નમુના એક હજારથી માંડીને એક લાખ સુધીના હોય છે.