સિંધુમાં બિંદુ સમાય પણ બિંદુમાં સિધુ સમાય… અને પ્રત્યક્ષ જોવું હોય તો કચ્છી માડુના સંસ્કારને સમજવા પડે
દરિયો જેમાં દિલમાં સમાયો અને વરૂણદેવના આરાધક કચ્છીમાડુ ૮૫૦ વર્ષથી અષાઢી બીજે નવુ વર્ષ મનાવે છે
કચ્છ એ તો વિશિષ્ટતા, વિવિધતા અને વિરાટતાથી હર્યો ભર્યો રેતાળ પણ હેતાળ માનવીનો પ્રદેશ છે. એ હૈયાની હકુમતથી આગવી હેસિયતથી જીવવા માગે છે. તે પોતાનો અલગ અસ્તીત્વ વિરલ વ્યકિતત્વ ધરાવતો મલક છે. કચ્છને જાણવા કે, માણવા માટે આંકડાકીય રમત કે નકશા દ્વારા માહિતીથી શકય નથી એ ફકત સહાનૂભૂતિ અને સહાય વડે જીતવાની ભોમકા નથી એ તો છે એના રજકરણોમાં રગદોડાઈ હૃદયના દબકારથી અનુભવાતી અનોખી ધરા ! કચ્છને નપાણીયો મુલક કહેનારને રણનાં રમણીય સૌદર્યનો અનુભવ નથી. કાળા ડુંગરની કમનીયતાનો કયાસ નથી કચ્છીઓનાં જીવનમાં વણાઈ ગયેલી કલા વૈભવને પારખવાની તેમનામાં દ્રષ્ટી નથી. આ એવો કોડીલો કામણગારો મલક છે, જયાંની કુલીનતામાં કચ્છીયત અસ્મિતા ઓગળી ગઈ છે. એકાકાર થઈ ગઈ છે.
સિંધુમાં બિંદુ સમાય પણ બિંદુમા સિંધુ સમાય એને પ્રત્યક્ષ જોવું હોય તો કચ્છી માડુના સંસ્કારને સમજવા પહે.
ઈતિહાસકારો માને છે કે, જગતના વિવિધ પ્રાંતોમાંથી આવેલા લોકોના સામુહિક સ્થળાંતરોથી કચ્છ વસેલું છે, કાઠી, આહિર, જત તથા અન્ય પશુપાલક પ્રજા અહી આવી વસી છે. ઉતરમાંથી સમા, સોઢા તથાસિંધી કબીલાઓ આવ્યા. પૂર્વમાંથી વાઘેલા અને મારવાડ, ગુજરાતથી ચારણ, બ્રાહ્મણ તથા વાણીયા આવ્યા. ભાટીયા તથા લોહાણા મુલતાન તથા સિંઘથી આવ્યા કચ્છ જાણે અકે સંગમ તીર્થ જેમા વિવિધ પ્રાંતની વિવિધ નદીઓ સમાઈ એક રૂપ થઈ ગઈ વિવિધ માનવ ફૂલોની ફૂલદાનીથી મહેકતા, ચહેકતા, ગહેકતા, ભિન્ન જાતિ અને ધર્મના લોકો, પ્રાદેશિક સંસ્કૃતિમાં દૂધમાં સાકર, ભળે એમ હળીમળી ભળી ગયા અને તેમની એક જ અસ્મિતા ઓળખી રહી નકચ્છીથ.
કચ્છનો અર્થ (સંસ્કૃતમાં) પાણીથી વિંટળાયેલો પ્રદેશ, અથવા કાચબો થાય છે. ભૌગોલીક દ્રષ્ટીએ કચ્છ સમુદ્ર અને રણથી આવૃત પ્રદેશ છે. કચ્છની દક્ષિણે, નૈઋત્ય કોણમાં કચ્છનો અખાત અને પશ્ચિમે અરબી સમુદ્ર ધૂધવે છે. ઉતરમાં પાકિસ્તાનની સીમાઓ, રણ પ્રદેશ, પૂર્વમાં ઉત્તર ગુજરાતને જોડતો રણ વિસ્તાર છે. આમ રણ અને મહેરામણ વચ્ચે ઝૂલતો જાજરમાન કચ્છ પ્રદેશ આવેલ છે. રણ પણ કેવું? લેફટનન્ટ બર્નસ પોતાના સંસ્મરણોમાં લખે છે તેમ નજેની જોડ ન જડે એવુંથ
આ કચ્છ એટલે પ્રાચીન સંસ્કૃતિનો ધબકાર, શ્રીમદ ભાગવત અને મત્સ્યપુરાણ કચ્છને પૂણ્યધામ કહે છે અંદાજી દશ હજાર વર્ષ પૂર્વે બ્રહ્મર્ષિના પુત્ર દક્ષપ્રચેતનાએ નારાયણ સરોવર પાસે તપશ્ર્ચર્યા કરી હતી. આર્ચાવર્તમાં તે વખતે પણ કચ્છ તિર્થધામ હતુ અને આજે પણ એટલું જ પૂણ્ય સલીલા સ્થળ છે. આમ, પ્રાચીન સંસ્કૃતિનો સ્વામી કચ્છ પુરાતનકાળ સાથે તેને સંબંધ અનુબંધન છે. કચ્છમાં પ્રાચીન શિલાલેખો, પુરાતત્વીય અવશેષો, પ્રાચીન સ્થાપત્યો, અને પરંપરાગત વસાહતો ઠેર ઠેર જોવા મળે છે. મહાભારત, શ્રીમદ ભાગવત, અષ્ટટ્રયાયી, જૈનગ્રંથ, આદિમાં કચ્છનો સુપેર ઉલ્લેખ મળે છે. આર્યોના આગમન પૂર્વે અહીં સંસ્કૃતિ વિકસી હતી ઉત્ખન્નમાંથી હરપ્પા સંસ્કૃતિના અવશેષો આજે પણ જોવા મળે છે.
આજના ટેકનોલોજીના ટેરવે પણ તમસ બાજી જાય એવી ટેકનીક રામસિહ માલમે વિકસાવી હતી તો વિદેશીઓ પણ વિચારતા થઈ જાય એવી માટીના ઘાટની કમાલ સ્વ. બુઢાચાચાએ દેખાડી હતી. લોકવાધમાંય કચ્છની અનેરી શાન છે. નામશેષ થતા લોક વાધ ડફ મોરચંગ ફાની જેવા કર્ણપ્રિય વાદ્યો સાંભળવા તો કચ્છ જ જવું પડે, આમ, કચ્છની અસ્મિતાને શબ્દોમાંક દ કરવી કઠીન છે.
કચ્છી માડુ કે જે ટાઢ, તાપથી તપતો આવ્યો છે. એને જનમથી વેઠતો આવ્યો છે, જે રણના કણ કણમાં, મણ મણ જેવા નિસાસા મેલતો આવ્યો છે. એણે આકાશને ગોરંભાતુ જોયું છે ને કુદરતની કપટને એણે પવનની પાંખે અને સગી આંખે પલવારમાં વિખેરાતું પણ જોયું છે. એણે અમીરી જોઈ છે, પતન નોતરે એવી ગરીબી પણ જોઈ છે. ને દાણ દુષ્કાળની ગભરામણો જોઈ છે. તેણે તીડોના ટોળાથી પોતાના પ્રાણ સમા પાકને નષ્ટ થતા પણ જોયો છે, તો છપ્પનીયાના દુષ્કાળની વસમી વેદનાયે વેઠી છે. કાળજા કંપાવી હૃદયના ધબકાર બંધ પડી જાય એવી કારમા ગોજારા, મારણહારા, ધરતીકંપની વેદનાયે ભિતર ધરબી છે. શું નથી જોયું કચ્છી માડુએ ! માનવતાના માંડવા રોપતા જોયા છે. તો અત્યાચારનો આતશે જોયો છે. એરે ઠોકર ખાધી છે ને ફૂલોની ફોરમ પણ માણી છે એ દિલ દઈ હસ્યો છે તો પોકે પોકે રડયો છે.અને ફરી પાછો આતમ બળે ચાલ્યો છે, આગળ વધ્યો છે.