ગુજરાતના પ્રવાસનમાં કચ્છનું યોગદાન નોંધપાત્ર છે. તેવામાં કચ્છ પ્રવાસન ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરવાનું છે. કચ્છના બન્નીના ઘાસના મેદાનને ચિત્તાઓનું રહેઠાણ બનાવવા કેન્દ્ર સરકારની લીલીઝંડી મળી ગઈ છે. એટલે હવે થોડા વર્ષોમાં જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો લોકો ચિત્તા જોવા ગુજરાત આવતા થઈ જશે.
બન્નીના ઘાસના મેદાનમાં જ્યાં ભૂતકાળમાં ચિત્તા નિવાસ કરતા ત્યાં ફરી ચિત્તાનું રહેઠાણ કરવા સરકારના પ્રયાસો
કચ્છ માટે વધુ એક નજરાણું તૈયાર છે. પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભૂતકાળમાં બન્ની ગ્રાસ લેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું તે હવે પુનઃ વિશ્વ ફલક પર જાણીતુ બનશે. કચ્છમાં બન્નીના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર માટે બ્રિડિંગ સેન્ટર બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમ વન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારે નેશનલ કેમ્પા હેઠળ નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટીને દરખાસ્ત મોકલી હતી. ગઈકાલે મળેલી નેશનલ કેમ્પાની એક્ઝિક્યુટિવ કમિટીએ કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર સ્થાપવા માટે મંજૂરી આપી દીધી છે, એમ મંત્રીએ જણાવ્યું હતું.
મુળુંભાઈ બેરાએ કહ્યું કે ચિત્તા એક સમયે બન્ની ઘાસના મેદાનોમાં ફરતા હતા પરંતુ તે રાજ્યમાંથી લુપ્ત થઈ ગયા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, દરખાસ્ત મંજૂર થવાથી, ચિત્તાઓ કચ્છ જિલ્લામાં ફરી જંગલમાં ફરે તેવી અપેક્ષા છે.
1940 સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ચિતા વસતા હતા
વન્યજીવ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 1921 સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને દાહોદમાં ચિત્તાના શિકારના રેકોર્ડ્સ છે. કેટલાક સંદર્ભ સામયિકોએ 1940ના દાયકાના પ્રારંભ સુધી ગુજરાતમાં ચિતાની હાજરીની પુષ્ટિ કરી છે. આમ ભૂતકાળમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં ચિતા વસવાટ કરતા હતા. હવે એ દિવસો ફરી આવવાના છે.
કચ્છમાં ચિતા પહેલા શિકાર થઈ શકે તેવા પ્રાણીઓનો વસવાટ વધારવો પડશે
કચ્છ વિસ્તારમાં ચિત્તાઓના વસવાટને પુનઃપ્રાપ્ત કરવા એ એક અઘરું કાર્ય હશે. કારણકે અહીં ચિતાઓ માટે પર્યાપ્ત શિકાર ઉપલબ્ધ નહિ હોય. ચિત્તા લાવવામાં આવે તે પહેલાં ગુજરાત સરકારે સંવર્ધન કેન્દ્રો સ્થાપવા પડશે અને આ વિસ્તારમાં શિકાર થઈ શકે તેવા પ્રાણીઓનો વસવાટ કરાવવો પડશે.