કચ્છમાં ગત ચોમાસાથી સ્વાઇન ફલૂએ કમર કસી છે અને ડિસેમ્બર સુધીમાં 182 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાઇ ગયા બાદ જાન્યુઆરી અને 20મી ફેબ્રુઆરી સુધીમાં બીજા 131 કેસ કચ્છમાં પોઝીટીવ બહાર આવી ગયા છે. ખાસ કરીને ભુજ તાલુકામાં. કચ્છમાં જે 131 કેસ બહાર આવ્યા છે તેમાંથી અડધાથી પણ વધુ એટલે કે 70 કેસ તો માત્ર ભુજમાંથી બહાર આવ્યા છે. ભુજની મોટાભાગની હોસ્પિટલો સ્વાઇન ફ્લૂના કેસથી ઉભરાઇ રહી છે. શહરેની 5 હોસ્પિટલમાં જ આ વર્ષે 92 દર્દી દાખલ થયા છે.
કચ્છમાં જે 131 પોઝીટીવ કેસ 2019માં બહાર આવ્યા છે, તેમાંથી 70 કેસ ભુજ તાલુકાના છે. ભુજ તાલુકામાં પણ 16 કેસ ભુજ શહેરના છે. જ્યારે માધાપરના 13 કેસ છે. માધાપરની જેમ પટેલ ચોવીસીના અનેક ગામોમાં આ રોગે પગપેસારો મજબૂત બનાવ્યો છે.
કચ્છમાં પહેલી જાન્યુઆરી પછી જે 131 કેસ પોઝીટીવ નોંધાયા છે, તેમાંથી 92 દર્દીએ તો માત્ર પાંચ જ હોસ્પિટલમાં સારવાર લીધી છે. જે તમામ ભુજમાં છે. જેમાં સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં 35, જીકે જનરલ હોસ્પિટલમાં 17, ન્યૂ લાઇફ હોસ્પિટલમાં 16, એકોર્ડ હોસ્પિટલમાં 13 અને જે કે હોસ્પિટલમાં 11 દર્દીઓનો સમાવેશ થાય છે. બાકીના 39 દર્દીઓએ 18 હોસ્પિટલમાં સારવાર લીધી છે. જે અમદાવાદ,રાજકોટ, ગાંધીધામ, આદીપુર, ભુજમાં છે.