પશ્ચિમ કચ્છના એસપી તરીકે આજે સૌરભ તોલંબિયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે.એસપી કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર ઝીલ્યા બાદ કચેરીના અધિકારી કર્મચારીઓ સાથે નવનિયુક્ત અધિકારીએ મુલાકાત કરી હતી.24 કલાક દ્વાર ખુલ્લા છે કોઈ એપોઇન્ટમેન્ટ ની જરૂર નથી તેવું એસપીએ જણાવ્યું હતું.
તાજેતરમાં જ પશ્ચિમ કચ્છ એસ.પી. તરીકે કાર્યરત એમ.એસ. ભરાડાની બઢતી સાથે બદલી થતાં તેમના સ્થાને પશ્ચિમ કચ્છના એસ.પી. તરીકે આઈપીએસ સૌરભ તોલંબિયાની નિમણૂંક કરાઈ હતી, ત્યારે આજે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.નવ નિયુક્ત એસ.પી. સૌરભ તોલંબિયાએ પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
એસ.પી. સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, પ્રજા માટે તેમના દ્વાર ર૪ કલાક ખુલ્લા છે અને કોઈ પ્રકારની એપોઈન્ટમેન્ટ લેવાની પણ જરૂર નથી, તેવી વાત કરીને તેમણે પોલીસ પ્રજાના મિત્ર તરીકેના સુત્રને સાર્થક કરતો માહોલ ઉભો કર્યો હતો. આ સાથે જ તેમણે ગેરકાયદેસર કામગીરી નહીં ચલાવી લેવાય તેવી ટકોર કરી હતી. કચ્છ સરહદી વિસ્તાર હોવાથી કચ્છના લોકો રાષ્ટ્રીય એક્તાને સમર્પિત છે અને લોકો પોલીસને સહકાર આપે તેવી અપીલ તેમણે કરી હતી.
એસ.પી. તોલંબિયાએ ચાર્જ સંભાળ્યો તે પૂર્વે તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું, ત્યાર બાદ તેમણે એસ.પી. કચેરીના તમામ વિભાગો અને તેમાં કામ કરતા અધિકારી – કર્મચારીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. પ્રારંભ તેમણે આશાપુરા મંદિરે માથુ ટેકવ્યું હતું અને ત્યારબાદ આઈજી ઓફિસમાં રેન્જ આઈજીપી ડી.બી. વાઘેલાની મુલાકાત લઈને પૂર્વ એસ.પી. એમ.એસ. ભરાડા પાસેથી વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.
ર૦૦૭ની બેન્ચના રાજસ્થાનના આઈપીએસ અધિકારી સૌરભ તોલંબિયાએ મોટે ભાગે ગુજરાતમાં ફરજ બજાવી છે. ડાંગ, પાટણ, જુનાગઢ, વડોદરા ગ્રામ્ય તેમજ અમદાવાદ ઝોન-૬ના ડીસીપી તરીકે ફરજ બજાવી ચુકેલા અધિકારી કચ્છમાં એસ.પી. તરીકે આરૂઢ થયા છે. ત્યારે કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.