- માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ 44 રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરાયા
- નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે કચ્છમાં માર્ગ-મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત દ્વારા ખડેપગે રહીને સમારકામની અવિરત કામગીરી
- કુલ 37 રસ્તાઓ વોટર ઓવરટોપિંગના કારણે બંધ છતા વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા હોવાથી ગામડાઓ મુખ્ય માર્ગો સાથે કનેક્ટ
Kutch: ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓને તત્કાલ અસરથી પૂર્વવત કરવા માટે માર્ગ મકાન રાજ્ય તેમજ પંચાયત વિભાગ દ્વારા ખડેપગે રહીને કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ ૨૫ રસ્તાઓને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું હતું. જોકે, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા 17 રસ્તાઓને યુદ્ધના ધોરણે રાત દિવસ કામગીરી કરીને શરૂ કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગના 8 રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે જેને વરસાદી પાણી ઓસરી ગયા બાદ તુરંત શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જે પણ રસ્તાઓ બંધ છે ત્યાં વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા હોવાથી ગામડાઓ જિલ્લાના મુખ્યમાર્ગો સાથે કનેક્ટ છે.
ભારે વરસાદની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કચ્છમાં આવેલા કુલ 75 રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું અને તે બંધ થયા હતા. જોકે, અવિરત કામગીરી કરીને પંચાયત વિભાગે 47 રસ્તાઓને રિપેર કર્યા છે જેથી વાહનવ્યવહાર શરૂ થયો છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 28 રસ્તાઓ બંધ છે જેને પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. મોટાભાગના રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે પણ કોઈપણ ગામ સંપર્ક વિહોણું રહે નહીં તે માટે વૈકલ્પિક રસ્તાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, નેશનલ હાઈવે વિભાગનો પણ એક રસ્તો પાણીનો ભારે પ્રવાહ પસાર થવાના લીધે બંધ છે. પાણી ઓસરી ગયા બાદ તેને પણ પૂર્વવત કરીને જાહેરજનતા માટે ખોલવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત દ્વારા 10 ટીમ બનાવીને નાયબ કાર્યપાલક ઈજનેરઓ, મદદનીશ ઈજનેરઓને ફરજ સોંપવામાં આવી છે. આમ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને નાળા પુલીયાઓને જેસીબી મશીન, ડમ્પર, ટ્રેક્ટર, હિટાચી, લોડર જેવા સાધનોથી મેટલ કામગીરી કરીને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.