ખાવડામાં સાકાર થશે સૌથી મોટો સોલાર પાર્ક
૨૮ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે: અદાણી ગ્રુપ ૧૦ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે
કચ્છમાં વિશ્વના સૌથી મોટા પુન: પ્રાપ્ત ઉર્જા (રિન્યુએબલ ઓનર્જી) પાર્ક માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ માટે ગુજરાત સરકારે ૫૦ હજાર હેકટર જમીન ઉર્જા કંપનીઓને ફાળવવાની શરૂ કરી દીધી છે. આગામી પાંચ વર્ષમાં રૂા.૬૯,૬૦૦ કરોડના ખર્ચે આ ઉર્જા પાર્ક કાર્યરત થઈ જશે તેમ રાજયના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. કુલ ૨૮ હજાર મેગાવોટ ઉર્જા ઉત્પાદન કરતા આ પાર્કમાં અદાણી ગ્રીન એનર્જી ૧૦ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. આ માટે કંપનીને ૨૦ હજાર હેકટર જમીન ફાળવી દેવાઈ છે. કંપની રૂા.૩૦ હજાર કરોડનું રોકાણ કરશે.
અદાણી એનર્જી ૧૦ હજાર મેગાવોટમાંથી ૮ હજાર મેગાવોટ વીજળી સુર્યશકિતથી ઉત્પન્ન કરશે. જયારે બાકીની ઉર્જા પવનચકકીના માધ્યમથી ઉત્પન્ન કરવામાં આવશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
વાઈબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૯માં ઉદઘાટન કાર્યક્રમમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ખાવડામાં આગામી પાંચ વર્ષમાં વિશ્ર્વનો સૌથી મોટો ઉર્જા પાર્ક બની જશે જેમાં અમે ૩૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. ગુજરાત સરકારે કચ્છમાં સોલાર અને પવનચકકી ઉર્જા માટે અદાણી એનર્જી ઉપરાંત સર્જન, રીયાલીટીઝ, જીઆઈપીસીએલ, એનટીપીસીને ૫૦ હજાર હેકટર જમીન ફાળવવાની કાર્યવાહી કરી છે.
રાજયમાં પડતર જમીન તથા પરિવહન નેટવર્કનો વધુમાં વધુ ઉપયોગ કરવાના હેતુથી આ હાઈસ્પ્રીડ ઉર્જા પાર્ક બનાવવામાં આવી રહ્યું છે તેમાં જેમણે અગાઉ સરકાર સાથે કરાર કર્યો છે કે, જમીન માગી છે તેમને જમીન ફાળવી દેવાઈ છે તેમ ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું.
અત્રે એ યાદ આપીએ દેશમાં નર્મદા કેનાલ પર સુર્ય ઉર્જા મળે તેવી યોજના જ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજય છે જેમાં નર્મદાની કેનાલની જમીનનો સદઉપયોગ થઈ રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજયમાં ૨૦૧૧માં પાટણના ચારણકા નજીક દેશનું મોટામાં મોટુ સોલાર પાર્ક બનાવવામાં આવ્યું છે. રાજયની સોલાર રૂફટોપ યોજના અન્ય રાજયો માટે પ્રેરણારૂપ છે. ભારત પાક સરહદે આવેલા આ એનજી પાર્ક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગત રસ લઈ રહ્યા છે એટલે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય તથા ગુજરાત સરકાર તરફથી ઝડપથી મંજુરી મળી છે તેમ તેમણે ઉમેર્યું હતું.