કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોશીએશન-રાજકોટ દ્વારા ફિલ્ડ માર્શલ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તબીબી ક્ષેત્રે રક્તદાન પ્રવૃત્તિ માનવીય એકતાનું સર્વોત્તમ ઉદાહરણ છે. કેન્સર, થેલેસેમિયા તથા ડાયાલીસીસના દર્દીઓ માટે લોહીનો પુરવઠો આપણી બ્લડ બેંકો રક્તદાતાઓના સહયોગથી અવિરત પુરો પાડે છે.
કોરોના વૈશ્ર્વિક મહામારીના કપરાકાળને કારણે બ્લડ બેંકોએ લોહીના પુરવઠાની ભારે અછત વેઠી રહી છે. આ સમસ્યા છતાં બ્લડ બેંકોએ આ ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરી આપી છે. આ ઉમદા કામગીરી ચાલુ રહે તે માટે સંસ્થા દ્વારા સર્વજ્ઞાતિ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં રાજપૂત (ક્ષત્રિય) સમાજના આગેવાનો તથા અન્ય સમાજના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ રક્તદાન કેમ્પમાં 300 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ પૂર્ણ કરાયો હતો. કેમ્પમાં વિશેષ મહેમાન તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
જરૂરિયાત મંદોને મહામુલ્યવાન રક્ત મળી રહે તે માટે કેમ્પ યોજાયો: સાંસદ મોહન કુંડારિયા
આજે કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગરાસીયા એસો. રાજકોટના માધ્યમથી નરેન્દ્રભાઈની 17મી તારીખ જન્મજયંતી નીમીતે જે સેવાકાર્ય ઉજવાઈ રહ્યું છે. તેના ભાગરૂપે આજે આ સંસ્થા 1906ને આ સંસ્થાની સ્થાપના થઈ અને 116 વર્ષ થયા આ સંસ્થાના સ્થાપક હરભમસિંહજી બાપુએ અમારા મોરબીના સ્ટેટ હતા એને આ સંસ્થાની સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી સંસ્કાર પ્રાપ્ત કરી દેશની સેવામાં કામ કરી રહ્યાં છે. ત્યારે આ એસો.ના પ્રમુખ આદરણીય અમારા ટંકારાના વતની ધ્રુવકુમારસિંહજી એને મનની અંદર વિચાર આવ્યો કે નરેન્દ્રભાઈની જન્મજયંતિ નીમીતે આપણે પણ આ સેવાકીય કાર્યમાં સહભાગી બનવા ગરીબ અને છેવાડાના માનવીને જ્યારે રક્તની જરૂર પડે ત્યારે મહામુલ્યવાન રક્ત મળી રહે તે માટે આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રક્ત આપનાર આ સંસ્થાના આગેવાન સૌને લાખ લાખ અભિનંદન પાઠવું છું.
રક્તદાતાઓનો આભાર માનતા રાજકુમાર ધ્રુવકુમારસિંહજી જાડેજા
કચ્છ કાઠિયાવાડ ગુજરાત એસો.ને આજે 116 વર્ષ પુરા થઈ રહ્યાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે તે ભાગરૂપે આજે સર્વજ્ઞાતિ રક્ત શિબિર રાખવામાં આવી છે જે રક્તનાં ડોનરો છે એને હું હૃદયપૂર્વક આભાર માનુ છું. અભિનંદન પાઠવું છું અને હવે પછીના કાર્યક્રમો જે સંસ્થા તરફથી થયા એમાં સહકાર આપે એવી ખાસ વિનંતી કરૂ છું. રક્ત શિબિર 7:40 મીનીટે ચાલુ થઈ છે અને અત્યાર સુધીમાં 100 લોકોએ રક્તદાન કરેલું છે. અમારો ટાર્ગેટ 300 ઉપરનો છે. જે બ્લડ બેન્કના સહકારથી જે શિબિર ચાલી રહી છે તે ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક છે.