-
સીમાદર્શનની સાથે સફારી પાર્કનો પણ પર્યટકોને લાભ મળે તેવો નિર્ણય લેવાયો
-
140 કરોડની દરખાસ્ત સામે પ્રાથમિક રૂ. 30 કરોડની મળી મંજૂરી
-
250 હેક્ટરમાં બનશે સફારી પાર્ક
Kutch news: સરહદી જિલ્લા કચ્છની પશ્ચિમી સરહદે આવેલ પ્રખ્યાત યાત્રાધામ નારાયણ સરોવર હવે માત્ર પ્રવાસીઓ માટે તીર્થધામ નહિ રહે, આવનારા સમયમાં પ્રવાસીઓ અહીં જંગલ સફારીને પણ માણી શકશે અને સાથે સાથે સિંહ પણ કચ્છની ધરતી પર જોવા મળશે. હાલમાં કચ્છ જિલ્લામાં કુલ 4 અભયારણ્ય અને છારીઢંઢ સંરક્ષિત ક્ષેત્ર આવેલા છે. 444.23 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા નારાયણ સરોવર અભયારણ્યમાં ચિંકારા, કાળિયાર અને ચિતરની વસ્તી વધારે જોવા મળે છે.
નારાયણ સરોવર સફારી પાર્કમાં લાવવામાં આવશે સિંહો:
કચ્છના નારાયણ સરોવર ખાતે શરૂ કરવામાં આવનાર જંગલ સફારી અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે,ગીરના જંગલની જેમ પ્રવાસીઓ કચ્છના પવિત્રધામ નારાયણ સરોવર ખાતે આગામી વર્ષોમાં જંગલ સફારી માણી શકશે. કચ્છ વન વર્તુળ હેઠળના પશ્ચિમ કચ્છ વનની રેન્જમાં નારાયણ સરોવરના આસપાસનો વિસ્તાર છે. તે પ્રવાસન ક્ષેત્રે વિકસાવી શકાય તેવો વિસ્તાર છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે અને વાઈલ્ડ લાઇફ માટેનું પણ એક પ્રવાસન વિકસે તે બાબતે વન વિભાગ દ્વારા નારાયણ સરોવરના આસપાસના વિસ્તારમાં એક સફારી પાર્કનું આયોજન થઈ રહ્યું છે. જેમાં પહેલા સ્ટેજમાં તૃણાહારી પ્રાણીઓથી એટલે કે ચિંકારા ઉપરાંત કાળિયાર અને ચિત્તર જેવા પ્રાણીઓને એક ફેન્સ એરિયામાં રાખીને સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના નોર્મ્સ મુજબ સફારી પાર્ક ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે સફારી પાર્ક બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી મંજૂરી:
લખપત તાલુકાના નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારા અભયારણ્ય પણ છે. જેમાં 500 જેટલા ચિંકારા જંગલમાં વસવાટ કરી રહ્યા છે. ચિંકારા અભયારણ્યની સાથે હવે માંસાહારી પ્રાણીઓ માટે સફારી પાર્કનો નિર્ણય કેન્દ્રીય સત્તા મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. નારાયણ સરોવર વન વિભાગ તરફથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ સફારી પાર્ક માટે મંજૂરી મેળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેને મંજૂરી મળી છે.
250 હેકટરમાં બનશે સફારી પાર્ક:
નારાયણ સરોવર સફારી પાર્કની સાથે સાથે કોરીક્રીક વિસ્તારમાં ચેરિયાના વિકાસ, સંવર્ધન માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. 250 થી 280 હેક્ટર વિસ્તારમાં સિંહ, દીપડા, ચિંકારા અને કાળિયાર જેવા માંસાહારી પ્રાણીઓ અહીં જોવા મળશે. આ ઉપરાંત આ સફારી પાર્કમાં સર્વોચ્ચ અદાલતની પરવાનગી મેળવી માંસાહારી પ્રાણીઓ, સરિસૃપ, જુદા જુદા પક્ષીઓની પ્રજાતિ પણ આગામી સમયમાં જોવા મળશે.
પ્રાથમિક તબક્કે 30 કરોડ રૂપિયાની મંજૂરી:
ઉલ્લેખનીય છે કે આ સફારી પાર્ક પ્રોજેક્ટ માટે કુલ 140 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. જે સામે હાલમાં પ્રાથમિક તબક્કે રૂ30 કરોડની મંજૂરી મળી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત અહીં બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવશે. જેથી પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય જેથી કરીને સિંહ સિંહણ જેવા પ્રાણીઓ સફારી પાર્કમાં ખુલ્લા વિચરણ કરી શકે એ રીતે મૂકવામાં આવશે.
ગીર સફારી પાર્ક જેવી જ સુવિધાઓ:
નારાયણ સરોવર સફારી પાર્ક 250 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું રહેશે અને તેને ફેન્સિંગ કરવામાં આવશે. આ વિસ્તાર પ્રવાસન વિસ્તાર છે જેમાં એક જ રૂટમાં પ્રવાસીઓ કચ્છની કુળદેવી માં આશાપુરાના માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિર, સફારી પાર્ક, સમુદ્રી સીમાદર્શન વગેરે કરી શકે તેવું આયોજન કરી શકાશે. આ ઉપરાંત ગીર સફારી પાર્કની જેમ નારાયણ સરોવર સફારી પાર્ક માટે વન વિભાગ પાસે વિવિધ વ્યવસ્થાઓ પણ ઊભી કરશે અને પ્રવાસીઓ ગાડીમાં સફારી પાર્કની મુલાકાત કરી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવશે. તો સાથે જ વનવિભાગના સ્ટાફમાં પણ વધારો કરવામાં આવશે.