- કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
- જખૌ મરીન ખિદરત ટાપુ પરથી ચરસના બિનવારસી 10 પેકેટ મળી આવ્યા
કચ્છ ન્યૂઝ : જખૌ મરીન પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન ખિદરત ટાપુ પરથી એક પ્લાસ્ટિકનો તૂટેલો કોથળો બિનવારસુ મળી આવ્યો હતો, જેની તપાસમાં તેમાંથી માદક પદાર્થના એક કિલોના વજનવાળા ૧૦ પેકેટ મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે જાણવા જોગ નોંધી માદક પદાર્થની ચકાસણી માટે એફએસએલને જાણ કરી હતી. પકડાયેલો માદક પદાર્થ સંભવતઃ ચરસ હોવાની સાથે તેની કિંમત રૂ.પ કરોડથી વધુ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૩ને ગુરુવારના જખૌ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સૂચનાથી ખિદરત ટાપુ પર દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ દરમ્યાનમાં દરિયા કિનારા પર ફૂટ પેટ્રોલિંગ સમયે એક પ્લાસ્ટિકનો તૂટેલો કોથળો બિનવારસુ મળી આવ્યો હતો.પોલીસે કોથળાની તપાસ કરતાં તેમાંથી દરિયાઈ માટી ચોંટેલ આછા વ્હાઈટ કલરના કાપડની બેગમાં સીલબંધ ૧૦ પેકેટ મળી આવ્યા હતા.
આ એક પેકેટનું વજન એક કિલોગ્રામ હોવાનું જણાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.૮ના રોજ નારાયણ સરોવર નજીકના દરિયાકાંઠેથી બે પેકેટ માદક પદાર્થના મળી આવ્યા હતા. ત્યારપછી તા.૯ને રવિવારે કોઠારા પોલીસ સ્ટેશનમાં રૂ.૫.૩૪ કરોડની કિંમતના માદક પદાર્થના ૧૦ પેકેટ મળી હતા અને તા.૧૧ને મંગળવારે વધુ નવ પેકેટ માદક પદાર્થના સૈયદ સુલેમાનપીર ટાપુ પર જખમંદિર નજીકથી મળી આવ્યા હતા.પેટ્રોલિંગ દરમિયાન પોલીસને વધુ 10 પેકેટ ખીદરત ટાપુ પરથી બિનવારસુ મળી આવ્યા હતું .
નવીનગીરી ગોસ્વામી