ભુજ ખાતે પ્રજાસત્તાક પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી
અબતક, વારિસ પટ્ટણી, ભુજ
જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જિલ્લા કક્ષાના 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાના વરદ્ હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પીને કરવામાં આવી હતી.લાલન કોલેજ ભુજ ખાતે આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ સાત પ્લાટુનની સલામી સાથે મનાવાએલા ગણતંત્ર પર્વમાં નામી અનામી શહીદો, સ્વાતંત્ર્યવીરો અને દેશભકતો તેમજ ભૂકંપપીડિતોને ભાવભીની ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ, કચ્છની ખમીરવંતી પ્રજાને 73માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક સાથે જોડાએલા તમામનું સમર્પણ મહાન, ઉત્કૃષ્ટ અને અમુલ્ય હતું.દેશના સ્વાતંત્રવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરું છું. આ પ્રસંગે મંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતને ભવ્ય બનાવવા માટે આપણા સૌના લોકલાડિલા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અત્યારે વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બની વણથંભ્યો વિકાસ સાધી રહયો છે. પ્રવર્તમાન કોરોના મહામારી વચ્ચે વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં 160 કરોડથી વધુ વેકસિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.કચ્છ જિલ્લાની વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છ એ ગુજરાતનો વિકસિત જિલ્લો છે.
જીલ્લાની વિવિધ હોસ્પિટલોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનીત કરાઇ
તમામ ક્ષેત્રે કચ્છ ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહયું છે. કચ્છ એ ભારતનું સિંગાપુર બને તે દિશામાં પ્રગતિ કરી રહયું છે.કચ્છ જેવા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે પણ અનેક ઉજળી તકો રહેલી છે. પ્રવાસન માટે હવે કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન મેળવી રહ્યો છે ત્યારે કચ્છના પ્રસિદ્ધ ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લખપત, માતાના મઢ, જેસલ-તોરલ મંદિર, પુંઅરેશ્વર મંદિર, નારાયણ સરોવર, કોટેશ્વર અને થાન જાગીર જેવા પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે અનેક પ્રોજેકટ હેઠળ કાર્યો ચાલી રહ્યા છે.આ તકે મંત્રીએ 26મી જાન્યુઆરી ઈ.સ.2001માં આવેલ વિનાશક ભૂકંપમાં હતભાગી થનાર પુણ્યાત્મા ઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. આ તકે મંત્રી સાથે કલેકટર પ્રવિણા ડી.કે. અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું.પરેડ કમાન્ડર અને રીઝર્વ પોલીસ ઈન્સપેકટર એસ.એમ. ચૌહાણની આગેવાની હેઠળ વિવિધ સાત પ્લાટુનની માર્ચપાસ્ટ કરવામાં આવી હતી. આ તકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જિલ્લાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હોસ્પિટલોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.