- કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા: રણોત્સવની મોજ માણતા મુખ્યમંત્રી
ધોરડો સફેદ રણ ખાતે થીમ પેવેલીયનની મૂલાકાત લઇ કચ્છી સંસ્કૃત્તિ, વિરાસત, હસ્તકલા, ધાર્મિક – પ્રવાસન સ્થળો અને ઔદ્યોગીક વિકાસની માહિતી મેળવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા “રણોત્સવ” થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું.
અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ એવા શ્રી સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને વંદન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જેવી રીતે સરદાર સાહેબે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના જ પદ ચિહ્નો પર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે. આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે. રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે.
ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ, ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. દાયકાઓ સુધી રાજ્યના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના પટ્ટા સુધી જ સીમિત રહી હતી. વીજળી, પાણી, રોડ-રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રકચર એવા મોટાભાગના ક્ષેત્રોમાં વિકાસ જે ગતિએ થવો જોઈએ અને જેટલો થવો જોઈએ તેટલો થયો હતો નહિ પરંતુ ગુજરાતને વિઝનરી લીડર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકે મળ્યા અને તેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી. કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર તેમણે ઝીલ્યો અને એ આફતને અવસરમાં કેવી રીતે પલટાવી તે દેશ અને દુનિયાએ જોયું.
કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્ર્વિક બજાર મળ્યું છે. અહીનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વર્ષ 2001ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્ર્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્ર્વિક સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારે કચ્છને આપેલી પ્રવાસન સુવિધા વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકે છે. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસન પ્રેમીઓ રણની મોજ માણવા સાથે માતાનો મઢ, માંડવી, કાળો ડુંગર, નારાયણ સરોવર જેવા દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે પણ સરકારે વોલ્વો બસ સેવા શરૂ કરી છે. વિકસિત ભારત 2047ના વડાપ્રધાનના સંકલ્પમાં પ્રવાસન ક્ષેત્રને અગ્રેસર બનાવીને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે.
મુખ્યમંત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છી ખમીર, કચ્છના ભૂગોળ, ઇતિહાસ, કચ્છની સંસ્કૃતિને વર્ણવતી નૃત્ય નાટિકા તેમજ “વ્રજવાણીની આહીરાણીઓ અને ઢોલી” અમર કહાની રજૂ કરતો ગરબો નિહાળી અભિભૂત થયા હતા. કચ્છના ઐતિહાસિક સ્થળો, કચ્છની રાજવી વિરાસતો રજૂ કરતો “કચ્છડો બારેમાસ” નાટિકાએ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિતો મહાનુભાવોના મન જીતી લીધી હતા. કચ્છ, કચ્છી અને તેની સંસ્કૃતિ તેમજ કચ્છના વિકાયાત્રાને નૃત્ય, સંગીત તથા ગાયન સાથે જીવંત કરતી નૃત્ય નાટિકા રજૂ કરી કલાકારોએ લોકોને ડોલાવ્યા હતા. “મારું મન મોર બની થનગનાટ કરે” ગીતને ગાયક કલાકારે નૃત્યકારો સાથે લાઈવ રજૂ કરીને પ્રવાસીઓના મન મોહી લીધા હતા. પૂર્ણ ચાંદની રાતે લાઈવ પ્રસ્તુતિ “ભોલે નાથ શંકરા” ગીતે ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. આ ઉપરાંત કચ્છી લોક સંગીત અને કલાઓને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રીએ નિહાળી હતી.
મધ્યમ વર્ગીઓ માટે 54 કરોડના ખર્ચે 460 ટેન્ટ બનાવાશે: મુળુભાઇ બેરા
સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી હંમેશા કલા સાહિત્યથી ધબકતી રહી છે. વડાપ્રધાનના વિઝનથી અને ગુજરાત સરકારના પ્રયાસોથી કચ્છનું સફેદ રણ આજે વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે. લાખો સહેલાણીઓની કચ્છ મુલાકાતથી સ્થાનિક કલાઓને પ્રાધાન્ય મળ્યું છે. રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોને વૈશ્ર્વિક બજાર પ્રાપ્ત થયું છે. મધ્યમવર્ગીય લોકો પણ રણોત્સવ મુલાકાત દરમિયાન ટેન્ટમાં રોકાણનો લ્હાવો માણી શકે તે માટે રૂ.54 કરોડથી 460થી વધુ ટેન્ટ આગામી સિઝનમાં ઊભા કરાશે. તેમ પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું. વડાપ્રધાનના વિઝનથી કચ્છની સંસ્કૃતિ આજે દેશ દુનિયામાં પહોંચી છે.