ભાડા વધારાની માંગણી સાથે ચાલતા સ્થાનિક નાના ટ્રાન્સપોર્ટરોના આંદોલનને તોડી પાડવા કંપનીનો પ્રયાસ : કોંગ્રેસ
કચ્છ જીલ્લાનાં છેવાડાના સરહદી પંથકમાં કરોડો ટન ખનીજ ઉસેડીને કચ્છ સાથે સતત અન્યાય કરી રહેલા સાંઘી સીમેન્ટ એકમોની વિરુધ્ધ સતત જન આક્રોશ ફેલાઇ રહ્યો છે. હાલમાં ડિઝલમાં ભાવ વધતા સ્થાનિક 35 જેટલા નાના ટ્રાન્સપોર્ટરોએ ભાડા વધારાની વાત મુકતા કંપનીનાં સંચાલકો આ નાના માણસોની વાતને ગંભીરતાથી ન લેતા પરિસ્થિતિ વણસતા આખરે આ સ્થાનીકોએ ગાંધીચિંધ્યા માર્ગે કંપનીનાં ગ્રેડીગ તથા પાવર યુનીટ સામે ધરણાં આદર્યા હતાં.
છતા કંપનીના પેટનું પાણી ન હાલતા કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા, પ્રવક્તા પી.સી. ગઢવ, નખત્રાણા તાલુકા પ્રમુખ રાજેશ આહીર, શાસકપક્ષ નેતા અબડાસા-મહાવીરસિંહ જાડેજા, જીલ્લા મંત્રી રામદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રતિનિધ અલીભાઇ કેર તથા તાલુકા કોંગ્રેસના આગેવાન રાવલ મીસરી, જીલ્લા કાર્યાલ મંત્રી ધીરજ રૂપાણી સહિતના પ્રતિનિધી મંડળે ઉપવાસી છાવણીની મુલાકાત લઇ જવાબદારોને યોગ્ય રજૂઆત કરતા જીલ્લા પ્રમુખ યજર્વેન્દ્રસિંહ જાડેજાએ રોષપૂર્વક જણાવ્યું હતું કે હાલમાં રૂ.65ની જગ્યાએ રૂ.100 એ ડીઝલ પહોંચ્યું છે. છતાં જુની પધ્ધતિ પ્રમાણે ભાડા ચુકવાયા છે. જેનાથી ટ્રાન્સપોર્ટરોએ ઘરનું નુકશાન કરી માલનું પરીવહન કરી રહેલ છે.
ઉપરાંત કંપની દ્વારા સ્થાનીક ટ્રાન્સપોર્ટરોની વ્યાજબી અને ન્યાયીક લડતને તોડી પાડવા અન્ય કંપનીઓને લોડીંગનું કામ આપી વિશ્ર્વાસઘાત કરી રહેલ છે. જેનાથી આ લડત સંઘર્ષમાં પરીણામશે. જેની જવાબદારી કંપનીની રહેશે. કંપની યોગ્ય નહીં કરે તો કચ્છ જીલ્લા કોંગ્રેસ આ લડતમાં સંપૂર્ણપણે ઝુકાવશે જેથી યોગ્ય કરવા સાથેની ચીમકી યજુર્વેન્દ્રસિંહે આપી હતી.