Kutch News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અવકાશ સંબધિત અદ્ભુત અને અવનવી ઘટનાઓ બનતી જોવા મળે છે, ક્યારેક આકાશી ગોળા ખાબકે છે તો ક્યારેક આકાશમાં ચમકતી ટ્રેન જોવા મળે છે. ત્યારે હવે ગુજરાતના કચ્છમાં ગઈકાલે અડધી રાત્રે અજીબ ઘટના બની છે. જેમાં ભુચ તાલુકાના પૈયા વરનોરા ગામ નજીક રાત્રે અચાનક ચમકારો જોવા મળ્યો હતો. આ વિચિત્ર દ્રશ્ય જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને લોકો અચંબિત થઈ ગયા છે. સાથે લોકો મૂંઝવણમાં પણ મૂકાયા છે કે આ શું હતું? ઉલ્કા હતી કે એલિયન? જો કે, સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં એક તરફ ભૂકંપના કંપનોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સોમવારે વહેલી પરોઢિયે ૩ અને ૧૨ કલાકે કચ્છના આકાશમાં તેજ લિસોટા જોવા મળતા, આ રણપ્રદેશમાં ઉલ્કા પડી હોવાના પ્રાથમિક સંકેતો મળી રહ્યા છે.આ અંગે મળતી વિગતો પ્રમાણે કચ્છના ધ્રંગ અને લોડાઇ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ અચાનક આંખો આંજી નાંખતા પ્રકાશના લિસોટા જોયા હતા અને આ લિસોટા સામસામા ‘વી’ શેપમાં પરિવર્તિત થઈને અવકાશમાં ઓઝલ થઇ ગયા હતા.
આ તેજ પ્રકાશપુંજના વિરલ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં ઝડપાઇ જતાં ગ્રામજનોની આ વાતને સમર્થન મળવા પામ્યું છે. કચ્છના જાણીતા ખગોળ શાસ્ત્રીના ‘જણાવ્યા પ્રમાણે, આ પ્રચંડ પ્રકાશપુંજ બે સીધી લીટીના સ્વરૂપમાં ‘વી’ શેપમાં પ્રકાશપુંજ ફેલાવાની સાથે અદ્રશ્ય થઇ જતાં આ વિસ્તારમાં ઉલ્કા પડી હોવાની સંભાવના ઉભી થવા પામી છે તેથી આ વિસ્તારમાં જો તેના કોઈ અવશેષ મળે તો તેને શોધવાની કામગીરી સ્થાનિક લોકોના સહકારથી શરૂ કરી દેવાઈ છે.
સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો
મળતી માહિતી મુજબ આ વિસ્તારના પૈયા, નાના વરનોરા, મોટા વરનોરા સહિતના ગામોમાં લોકોએ આ પ્રકાશપુંજોને નરી આંખે નિહાળ્યા હતા અને ત્યારબાદ કુતુહલવશ લોકો જાણે બ્રહ્નમુહૂર્તમાં જ જાગી ગયા હતા. આ ઉપરાંત પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોઈ,મુસ્લિમ બિરાદરોની વસ્તીવાળા આ ગામોમાં લોકો જાગતા હતા જેથી મોટી સંખ્યામાં તેઓએ આ ઘટના નિહાળી છે. બન્ની-પચ્છમના ગામોમાં ખુલ્લામાં નિંદ્રાધીન લોકોએ પણ આ વિરલ ઘટના નિહાળી હતી. જાણવા મળતી વિગતો પ્રમાણે સૌરાષ્ટ્રના જામનગર સહિતના વિસ્તારોમાં તેમજ પાકિસ્તાનના સિંધ પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રકાશપુંજો જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં તેમજ ગુજરાતમાં ઉલ્કાવર્ષા થઇ હોવાનો આ પહેલો બનાવ નથી. આજથી લગભગ પાંચ દાયકા પૂર્વે જાન્યુઆરી ૧૯૭૬ના આ પ્રકારની ઉલ્કાવર્ષા સુરેન્દ્રનગર પાસેના ધજાડા ખાતે થવા પામી હતી, જયારે વર્ષ ૧૯૯૮માં બંદરીય માંડવી અને મુંદરા વચ્ચે પણ ઉલ્કાવર્ષા થઇ હતી, જયારે વર્ષ ૨૦૦૪માં આ પ્રકારની ઉલ્કા કચ્છમાં પણ નોંધાઈ હતી.
ઉલ્કાપાત કે કંઈક બીજું? CCTV ફૂટેજથી વધ્યું રહસ્ય!
પ્રાથમિક અનુમાન મુજબ, આ ઉલ્કાપાતની ઘટના હોઈ શકે છે, પરંતુ સચોટ માહિતી માટે વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે. આ અદભૂત દ્રશ્ય CCTV કૅમેરામાં કેદ થઈ ચૂક્યું છે, અને તેનું વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે.
ચમકતા લિસોટાના દર્શનથી લોકોને નવાઈ
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આકાશમાં તેજસ્વી પ્રકાશ જોવા મળ્યો, અને થોડી પળો માટે વાતાવરણ અજવાળાથી ભરાઇ ગયું. ચમકતો લિસોટો ધીમે ધીમે પૃથ્વીની તરફ પડતો ગયો અને એક જોરદાર ઝબકારો ઉડાવ્યો.
ઉલ્કાપાત કે એલિયન
હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ પ્રસરી ચૂક્યો છે. સ્થાનિકોને પોતાના સીસીટીવી ફૂટેજમાં આ ઘટના જોવા મળી હતી. ત્યારે હવે સોશિયલ મીડિયામાં લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું આ ઉલ્કા હતી કે પછી એલિયન? જો કે, ખગોળશાસ્ત્ર મુજબ, પૃથ્વીના વાતાવરણમાં દરરોજ મોટી સંખ્યામાં ઉલ્કાઓ ખાબકતી હોય છે. વાતાવરણમાં પ્રવેશતા જ તે બળીને રાખ થઈ જતી હોય છે. ઘણી વખત વાતાવરણના સંપર્કમાં આવતાની સાથે જ ઘર્ષણના કારણે ઉલ્કા આગનો ગોળો (ફાયર બૉલ) બની જતી હોય છે, ત્યારબાદ તે નાનાં ટૂકડામાં વેરાઈ જતી હોય છે. આપણે જેને ખરતાં તારા કે અંગ્રેજીમાં શૂટિંગ સ્ટાર યા ફૉલન સ્ટાર કહીએ છીએ તે ઉલ્કાપાત જ છે. તેથી પ્રાથમિક અંદાજ અનુસાર, આ તેજસ્વી પ્રકાશપૂંજ એ કોઈ ઉલ્કા પડી હોઈ શકે છે. જો કે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
ઘણી વખત સ્પેસ ડેબ્રીસ પણ આ રીતે ખાબકે છે
વિશાળ સપાટ રણ, ઊંચી ઈમારતોના અવરોધ અને પ્રકાશના પ્રદૂષણથી મુક્ત કચ્છનું આકાશ ખગોળવિદ્દો માટે અભ્યાસ અને નિરીક્ષણ કરવાનું એક શ્રેષ્ઠ નૈસર્ગિક સ્થળ છે. આ અગાઉ પણ કચ્છમાં વખતોવખત ઉલ્કાપાતના દ્રશ્યોએ લોકોમાં રોમાંચ સર્જેલો છે. 31 જાન્યુઆરી 2022 અને 2 એપ્રિલ 2022ના રોજ ઉલ્કાપાતના આ જ પ્રકારના દ્રશ્યો કચ્છમાં બની ચૂક્યા હતાં. હજારો લોકોએ નિહાળ્યાં હતાં. નિષ્ણાતોના મતે ક્યારેક અંતરિક્ષમાં બેકાબૂ બનીને ઘૂમતો નકામા સેટેલાઈટ્સનો કાટમાળ (સ્પેસ ડેબ્રીસ) અથવા તૂટી પડેલું રૉકેટ પણ આ રીતે પડતું હોય છે.
‘સ્કાય લેબ’ની ઘટનાએ દુનિયાને ચોંકાવી હતી
જુલાઈ 1979માં અમેરિકાનું પ્રથમ સ્પેસ સ્ટેશન ‘સ્કાય લેબ’ નાસાનો કંટ્રોલ ગૂમાવી બેકાબૂ બનીને પૃથ્વી પર તૂટી પડવાનું હતું. તે ઘટનાએ ભારત સહિત આખા વિશ્વમાં ભારે ઉચાટ અને ભય સર્જ્યાં હતાં. ‘સ્કાય લેબ’નો કાટમાળ ભારતમાં પણ ગમે ત્યાં ખાબકે અને તેનાથી નુકસાન થવાની ભીતિએ ભારત સરકારે પણ નાગરિકો માટે ચેતવણી જાહેર કરી હતી. જો કે, સ્કાયલેબ મહાસાગરમાં તૂટી પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વિશ્વ આખાનો જીવ હેઠો બેઠો હતો.
વિજ્ઞાનીઓ કરશે સમીક્ષા
આ ઘટનાને લઈને ખગોળશાસ્ત્રીઓ અને હવામાન વિભાગ દ્રારા તપાસ હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે, ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતી વખતે ઘર્ષણના કારણે દાહક પ્રકાશ ઉત્પન્ન કરે છે. જો આ ખરેખર ઉલ્કાપાત હતો, તો તેની અસર અને અવશેષોની શોધખોળ માટે વિશેષ તજવીજ હાથ ધરવામાં આવશે. વાયરસ થયેલા વિડિયોની તપાસ બાદ જ ખરા કારણો સામે આવશે, પરંતુ ભુજના આકાશે સર્જાયેલી આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે!